20 November, 2026 02:52 PM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent
ભારતમાં સફેદ પેટવાળા બગલા માત્ર ૧૦ બચ્યા
આ સાથેની તસવીરમાં જે પંખી દેખાય છે એ છે સફેદ પેટવાળો બગલો. અરુણાચલ પ્રદેશની લોહિત નદીના કિનારે બેઠેલો આ બગલો એકલપેટા સ્વભાવનો છે. નદીના શાંત કિનારાઓ પર કે છીછરા પાણીમાં માછલીઓનો શિકાર કરીને જીવતું આ ઉભયચર પંખી છે. આ દુનિયાના સૌથી દુર્લભ પંખીઓમાં સ્થાન ધરાવે છે કેમ કે આ પ્રજાતિ લુપ્ત થવાની કગાર પર છે. ભારતનાં જંગલોમાં આવા બગલા ૧૦થી પણ ઓછા હશે, જ્યારે આખી દુનિયાની વાત કરીએ તો સંખ્યા માત્ર ૬૦ની અંદર છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના રિસર્ચરોએ ફીલ્ડ ઑબ્ઝર્વેશન દરમ્યાન આ બગલાની તસવીર લીધી હતી. પંખી સંરક્ષણ માટે કામ કરતા સંશોધકોને આ બગલો જોઈને નવું આશાનું કિરણ મળ્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાએ લખ્યું છે, ‘આ પ્રજાતિના પંખીની હયાતીનો પુરાવો જ બહુ મોટી વાત છે. સૌથી પહેલાં તો જંગલ અને નદીઓમાં અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પંખીનો રેકૉર્ડ બનવો જરૂરી છે. આ પંખીને બચાવવા હોય તો એમનાં પ્રાકૃતિક ઘર એટલે કે નદીઓ અને જંગલોને બચાવવા પડશે.