રતલામના ફોટોગ્રાફરનું માહી, રાધે અને જુલી નામની ખિસકોલીઓ સાથે છે ગજબનું બૉન્ડિંગ

14 September, 2026 10:40 AM IST  |  Ratlam | Gujarati Mid-day Correspondent

રતલામના ફોટોગ્રાફર મનોજ માંડરેચા છેલ્લાં પાંચ વર્ષથી માહી, રાધે અને જુલી નામની ત્રણ ખિસકોલીઓ સાથે અનોખો સંબંધ ધરાવે છે. ત્રણેય ખિસકોલીઓ આવ્યા વગર તેઓ બપોરનું ભોજન લેતા નથી અને મનોજભાઈની રાહ જુએ છે.

ફોટોગ્રાફરનું માહી, રાધે અને જુલી નામની ખિસકોલીઓ

માનવ અને પ્રાણીઓ વચ્ચેના નિર્મોહ પ્રેમ અને વિશ્વાસના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ મધ્ય પ્રદેશના રતલામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે હૃદયને સ્પર્શી જાય એવો છે. રતલામના કર્મવીર રોડ પર આવેલા એક સ્ટુડિયોમાં કામ કરતા ફોટોગ્રાફર મનોજ માંડરેચા છેલ્લાં પાંચ વર્ષથી દરરોજ બપોરે બરાબર ૨.૩૦ વાગ્યે પોતાના 
લંચ-બૉક્સ સાથે છત પર પહોંચે છે; પણ વિશિષ્ટ વાત એ છે કે માહી, રાધે અને જુલી નામની ૩ ખિસકોલીઓ આવ્યા વગર તેઓ જમવાનું એક બટકું પણ મોઢામાં મૂકતા નથી.
મનોજભાઈ છત પર જઈને આ ત્રણેયનાં નામ પોકારે એટલે આજુબાજુના ઝાડ પરથી ત્રણેય ખિસકોલીઓ દોડતી આવીને તેમના હાથ અને ખભા પર બેસી જાય છે.
આ અનોખી મિત્રતાની શરૂઆત પાંચ વર્ષ પહેલાં થઈ હતી. મનોજભાઈ છત પર જમવા બેસતા ત્યારે શરૂઆતમાં ખિસકોલીઓને રોટલીના ટુકડા આપતા. 
માહી નામની ખિસકોલી મનોજભાઈના ખોળામાં બેસીને રતલામી સેવ ખૂબ જ લટકાથી ખાવાની શોખીન છે, જ્યારે રાધે અને જુલીને સીંગદાણા વધારે પસંદ છે. મનોજભાઈનું આંખનું ઑપરેશન થયું અને તેઓ ૧૦ દિવસ સુધી સ્ટુડિયો ન આવી શક્યા ત્યારે અન્ય કર્મચારીઓએ ખિસકોલીઓને ખાવાનું આપ્યું પણ તેમણે ખાધું નહીં,  મનોજભાઈ પાછા આવ્યા ત્યારે જ તેમણે જમવાનું સ્વીકાર્યું જે દર્શાવે છે કે તેમને માત્ર ખાવામાં નહીં પણ મનોજભાઈના પ્રેમમાં રસ છે.

madhya pradesh viral videos social media offbeat news hatke news