22 June, 2025 07:04 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચાલતી બસનાં પાછળનાં બન્ને પૈડાં એકસાથે નીકળી ગયાં
હૉલીવુડની ફિલ્મ ‘ફાઇનલ ડેસ્ટિનેશન’માં લોકોનાં મૃત્યુ પાછળ એવા અજીબોગરીબ હાદસાઓ દેખાડવામાં આવ્યા છે જે માન્યામાં પણ ન આવે. જોકે તામિલનાડુમાં એક બસ સાથે દુર્ઘટના ઘટી જે આ ફિલ્મમાં દેખાડેલી ઘટનાનું પુનરાવર્તન થતું હોય એવી હતી. તામિલનાડુમાં એક બસ ચાલી રહી હતી ત્યારે અચાનક જ એની પાછળનાં બન્ને પૈડાં નીકળી જાય છે. બસની હાલત જોઈને એવું લાગે છે કે કદાચ આ દુર્ઘટનામાં બહુ લોકો ઘાયલ થયા હશે, પરંતુ ગનીમત એ હતી કે બન્ને પૈડાં નીકળી ગયાં હોવા છતાં કોઈને કશું જ થયું નહોતું. @thinak અકાઉન્ટ પર શૅર થયેલો વિડિયો તામિલનાડુના ઇદાઇકલ ગામનો છે. બસનાં પાછળનાં પૈડાંને જોડતો આખો એક્સેલ જ નીકળી ગયો હોવાથી બસ પાછળથી આખી બેસી ગઈ હતી. આખો ડંડો જ નીકળી ગયો હોવાથી આગળનાં પૈડાં પર બસ થોડેક દૂર સુધી ઘસડાઈ હતી અને પછી અટકી ગઈ હતી. બસમાં ૮૭ લોકો સફર કરી રહ્યા હતા, પણ એકેયને કંઈ નથી થયું.