08 October, 2026 12:51 PM IST | Texas | Gujarati Mid-day Correspondent
અમેરિકામાં દામોદા નામની ડ્રોન બનાવતી કંપનીએ ચીનની સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન શો નામની ઇવેન્ટ કંપની સાથે મળીને લગાતાર ૩ દિવસ આ કાર્યક્રમ યોજ્યો હતો
અમેરિકાના ટેક્સસ રાજ્યના બ્લુ રિજ શહેરમાં લગભગ ૩ રાતથી રોજેરોજ કમાલનો એરિયલ શો થઈ રહ્યો છે. એમાં ૭૦,૦૦૦થી વધુ ડ્રોનથી આકાશમાં અલગ-અલગ શેપ રચવામાં આવે છે. અમેરિકામાં દામોદા નામની ડ્રોન બનાવતી કંપનીએ ચીનની સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન શો નામની ઇવેન્ટ કંપની સાથે મળીને લગાતાર ૩ દિવસ આ કાર્યક્રમ યોજ્યો હતો. એમાં એકસાથે સૌથી વધુ મલ્ટિરોટર ડ્રોન્સ લૉન્ચ કરવાનો રેકૉર્ડ બન્યો હતો. કંપનીએ એકસાથે ૭૧,૨૦૭ ડ્રોન લૉન્ચ કર્યાં હતાં. આ પહેલાંનો રેકૉર્ડ ૫૫,૯૩૯ ડ્રોનનો હતો. આ શોમાં અલગ-અલગ પ્રાણીઓના ચહેરા આકાશમાં બનાવવામાં આવ્યા હતા. લાયન અને ડ્રૅગન એમાં સૌથી જાયન્ટ હતા. આ પ્રયોગ ઓછી વસ્તી ધરાવતા જાયન્ટ ફાર્મમાંથી કરવામાં આવ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના નિર્ણાયકો આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે રેકૉર્ડની પુષ્ટિ કરી હતી.