✕

એક વર્ષમાં ૧૨૦૭ ફિલ્મો જોઈ, રોજ ૧૦ કલાક થિયેટરમાં વિતાવ્યા

05 November, 2026 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્લેનવુડ ટૅક્સ-ઑફિસર હતા એટલે નિવૃત્તિ પહેલાં તેમને ફિલ્મો જોવાનો બહુ ઓછો સમય મળતો. નિવૃત્તિ પછી તો તેમણે બિન્જ વૉચિંગ શરૂ કરી દીધું. 

ગ્લેનવુડ હૉસ્કિન જુનિયર

ફિલ્મો જોવાનું કોને ન ગમે? પણ જો રેકૉર્ડ બનાવવા માટે તમારે રોજ ૮-૯ કલાક જાણે કામ પર જતા હો એમ ફિલ્મો જોવાની હોય તો? આ માત્ર કલ્પના જ નથી, અમેરિકાના ૬૦ વર્ષના ભાઈએ આ હકીકત જીવી છે. ગ્લેનવુડ હૉસ્કિન જુનિયર નામના સિનિયર સિટિઝને લગભગ એક આખું વર્ષ રોજના ૧૦ કલાક થિયેટરમાં વિતાવ્યા છે. તેમણે એક વર્ષમાં થિયેટરમાં બેસીને સૌથી વધુ ફિલ્મો જોવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. રોજ તેઓ સરેરાશ ૩ ફિલ્મો જોતા હતા. ગ્લેનવુડ ટૅક્સ-ઑફિસર હતા એટલે નિવૃત્તિ પહેલાં તેમને ફિલ્મો જોવાનો બહુ ઓછો સમય મળતો. નિવૃત્તિ પછી તો તેમણે બિન્જ વૉચિંગ શરૂ કરી દીધું. 
ગ્લેનવુડે રીગલ સિનેમાની અનલિમિટેડ મૅમ્બરશિપ લઈ રાખી હતી એને કારણે દર મહિને ૨૫૦૦ રૂપિયામાં અનલિમિટેડ મૂવીઝ જોઈ શકતા હતા. આ પહેલાં સૌથી વધુ ફિલ્મો જોવાનો રેકૉર્ડ ૭૭૭ ફિલ્મોનો હતો. ગ્લેનવુડે એ આંકડાને બહુ જ પાછળ છોડી દીધો હતો. તેઓ રોજ ૩ મૂવી જોતા. વચ્ચેના બ્રેકમાં ચાલીને ઘરે જતા અને જમીને પાછા થિયેટર પર પહોંચી જતા. 

offbeat news united states of america social media movie review international news