21 August, 2026 11:33 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
૪૪ વર્ષના ડેટિંગ પછી ટૅક્સ બચાવવા લગ્ન કરશે બ્રિટનના આ મશહૂર કૉમેડિયન
કોઈ લગ્ન પ્રેમ માટે કરે તો કોઈ પરિવારની ખુશી માટે, પરંતુ બ્રિટનના વિખ્યાત કૉમેડિયન રિકી જર્વેઝ કંઈક અલગ જ કારણસર લગ્ન કરવા જઈ રહ્યા છે. ૬૫ વર્ષના રિકી અને તેમની ભાગીદાર જેન ફૅલન છેલ્લાં ૪૪ વર્ષથી સાથે રહે છે, પરંતુ હવે તેઓ માત્ર ટૅક્સ બચાવવા લગ્નગ્રંથિથી જોડાવા વિચારી રહ્યાં છે. બ્રિટનના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સંપત્તિ પોતાના વારસદારને આપે તો એના પર ૪૦ ટકા સુધીનો ભારે ઇન-હેરિટન્સ ટૅક્સ એટલે કે વારસાવેરો ચૂકવવો પડે છે. જોકે પતિ-પત્ની વચ્ચે થતી સંપત્તિની લેવડદેવડ પર આ ટૅક્સ લાગતો નથી. રિકી પાસે લંડનમાં ૧૫ મિલ્યન પાઉન્ડ એટલે કે આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો આલીશાન બંગલો, ન્યુ યૉર્કમાં અપાર્ટમેન્ટ્સ અને અબજોની સંપત્તિ છે. ટૅક્સની આ આકરી રકમ સરકારી તિજોરીમાં ન જાય એ માટે તેમણે ૪૪ વર્ષ પછી મૅરેજ કરવાનો પ્લાન બનાવ્યો છે. અગાઉ ભગવાનમાં ન માનતા હોવાનું કહીને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડનાર રિકી હસતાં-હસતાં કહે છે, ‘૪૪ વર્ષથી અમે સાથે રહીએ છીએ અને તમામ પૈસા શૅર કરીએ છીએ તો હવે લગ્ન ન કરવાનું એકમાત્ર કારણ આ હૉરર ટૅક્સ જ બની શકે છે. મરતાં પહેલાં મારે લગ્ન પતાવવાં પડશે.’