હૃષીકેશમાં રસ્તા પરના ખાડાએ સ્મશાનમાં લઈ જવાતા મૃત માણસને જીવતો કરી દીધો

11 September, 2026 12:06 PM IST  |  Rishikesh | Gujarati Mid-day Correspondent

ઋષિકેશમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ રહેલા સાઈ રામની ઍમ્બ્યુલન્સ ખાડામાં ખાબકતાં અચાનક તેમણે આંખો ખોલી અને શ્વાસ લેવા લાગ્યા. પરિવારજનોએ તરત સ્મશાનનું બુકિંગ રદ કરાવી તેમને સારવાર માટે AIIMS ખસેડ્યા.

ઍમ્બ્યુલન્સ (સૌજન્ય મિડડે)

મૃત્યુ પછી પણ કોઈ વ્યક્તિ ફરી જીવતી થઈ જાય એવી ફિલ્મી વાર્તા જેવી ચોંકાવનારી ઘટના ઉત્તરાખંડના હૃષીકેશમાંથી સામે આવી છે. અહીં એક તરફ પરિવારજનો સ્વજનના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યાં જ રસ્તામાં એક એવા ચમત્કારે સૌને દંગ કરી દીધા કે હૉસ્પિટલથી લઈને સ્મશાન સુધી હલચલ મચી ગઈ.
હૃષીકેશના ગીતાનગરની ગલી-નંબર પાંચમાં રહેતા સાઈ રામને કિડની ફેલ થવાને કારણે અને બે વાર હાર્ટ-અટૅક આવ્યા બાદ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પરિવારે રડતા હૃદયે અંતિમ યાત્રા માટે ઍમ્બ્યુલન્સ બુક કરાવી હતી. ઍમ્બ્યુલન્સ સાઈ રામના પાર્થિવ દેહને લઈને શ્યામપુર રેલવે-ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ રસ્તામાં આવેલો એક ઊંડો ખાડો જાણે વરદાનરૂપ સાબિત થયો હતો. ઍમ્બ્યુલન્સનું ટાયર રસ્તાના ઊંડા ખાડામાં ખાબકતાં જ ગાડીને ઝટકો લાગ્યો. આ ઝટકો લાગતાં જ મૃતાત્મા ગણાતા સાઈ રામે અચાનક આંખો ખોલી દીધી, તેમના શ્વાસ પાછા ચાલવા લાગ્યા અને જીવ પણ પાછો આવી ગયો. બપોરે આશરે ૨.૩૦ વાગ્યે પરિવારજનોએ સ્મશાન સમિતિને ફોન કરીને કહ્યું, ‘ચિતાનું બુકિંગ કૅન્સલ કરી દો. ખાડાના આંચકાથી સાઈ રામજી જીવતા થઈ ગયા છે.’
ચમત્કારિક રીતે શ્વાસ પાછા આવ્યા બાદ તેમને તાત્કાલિક હૃષીકેશની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્મશાન સુધી પહોંચતાં પહેલાં ખાડાને લીધે મળેલા નવા જીવનની આ અજીબોગરીબ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની છે.

rishikesh uttarakhand viral videos offbeat news hatke news