18 September, 2026 04:02 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
દીકરીને ઘોડીએ ચડાવીને પરિવારે દીકરો-દીકરી એકસમાનનો સંદેશ આપ્યો
હરિયાણાના ચારેટાપુર વાડા નામના ગામમાં રિતુ યાદવ નામની છોકરીને તેના પરિવારે દીકરાની જેમ ઉછેરી હતી. હરિયાણામાં દીકરાનાં લગ્નમાં ઘોડીએ ચડાવવાની બનવારાની રસમ કહેવાતી પરંપરા બહુ જ મહત્ત્વની હોય છે. જોકે રિતુના પરિવારજનોએ પોતાની દીકરી પાસે આ રસમ કરાવી હતી. દીકરીને ઘોડીએ ચડાવીને સમાજમાં દીકરો-દીકરી એકસમાન છે એવો સંદેશ આપ્યો હતો. ઘણી વાર છોકરીઓ પોતે શોખ ખાતર ઘોડીએ ચડીને લગ્નમંડપ સુધી જતી હોય એવું જોવા મળ્યું છે, પરંતુ હરિયાણાના આ નાનકડા ગામમાં દીકરીને જ દીકરો માનીને લગ્નના સમારંભમાં એક પરિવર્તનનો ચીલો ચાતરવામાં આવ્યો હતો. આ પરંપરા કોઈ શોખ માટે નહીં, સંદેશ માટે નિભાવવામાં આવી હતી. દીકરા અને દીકરીને સમાજમાં એકમસમાન અવસરો મળવા જોઈએ એવું માનતા રિતુના પપ્પા નરેન્દ્ર યાદવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાન છે. નરેન્દ્ર યાદવનું કહેવું છે કે દીકરા-દીકરીમાં સમાનતા માટે હજીયે ગામોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. અમે દીકરીને માત્ર લગ્નની પરંપરાઓમાં જ નહીં, જીવનમાં પણ સમાન અવસરો મળે એ માટે પ્રયત્નો કર્યા છે. શરૂઆતમાં તેમના જ ગામમાં દીકરીને મળતી છૂટછાટ માટે વિરોધ થતો હતો, પરંતુ રિતુ ભણીગણીને શહેરમાં ઊંચા પદ પર નોકરી કરતી થઈ એ પછી ગામલોકો પણ આ બરાબરીના વિચારમાં સામેલ થયા હતા.