વૃક્ષની ડાળખીઓમાંથી જાજરમાન જાનવરો સર્જે છે આ કલાકાર

18 February, 2026 02:10 PM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

આ શિલ્પો થોડા સમયમાં આપમેળે ખોખલાં થઈને પડી જાય છે અને જમીનમાં ભળી જાય છે.

શિલ્પો

મૂળ ઇટલીનો પરંતુ પોલૅન્ડના વૉર્સોમાં સ્થાયી થયેલા રોડોલ્ફો લીપ્રાન્ડી નામના એક કલાકારની અંદર શિલ્પકારની સાથે-સાથે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ ધગધગે છે. આ ભાઈનો એક જ ફન્ડા છે કે એવી જ આર્ટની રચના કરવી જે પર્યાવરણને જરાય નુકસાન પહોંચાડે એવી ન હોય એટલું જ નહીં, એ પર્યાવરણની સાથે ઓગળી જાય એવી હોવી જોઈએ. આ ફન્ડા મુજબ રોડોલ્ફોભાઈ જંગલમાં તૂટી પડેલી વૃક્ષોની ડાળખીઓને પોતાનાં શિલ્પોનો બેઝ બનાવે છે. બને ત્યાં સુધી આ ડાળખીઓને આર્ટિફિશ્યલ રંગ લગાવવાનું ટાળે છે. તે ડાળખીઓ જેવી છે એવી જ કાપી-કૂપીને એવી રીતે ગોઠવણી કરે છે કે ગીધ, મોર, ઘુવડ, પેન્ગ્વિન, હરણ, વાંદરો જેવાં અગણિત શિલ્પ તૈયાર કરી ચૂક્યો છે. દસેક વર્ષ પહેલાં તેણે ઇટલીમાં સોકા નદીના કિનારે એક જંગલી સુવ્વર બનાવ્યું હતું, બસ ત્યારથી તેને યુરોપના વિવિધ દેશોમાં આવાં શિલ્પો બનાવવા માટે આમંત્રણ મળે છે. મોટા ભાગે જંગલ પાર્ક, નદીઓની આસપાસના વિસ્તારોને જીવંત બનાવવા માટે ત્યાં પડેલી ડાળખીઓના કચરામાંથી પ્રાણીઓનાં શિલ્પ બનાવવામાં આવે છે. આ શિલ્પો થોડા સમયમાં આપમેળે ખોખલાં થઈને પડી જાય છે અને જમીનમાં ભળી જાય છે.

offbeat news italy international news world news environment poland