બે મિનિટમાં વીસ દંડબેઠક કરો અને બસની ટિકિટ મફત મેળવો

06 December, 2025 01:07 PM IST  |  Bucharest | Gujarati Mid-day Correspondent

ફિટનેસ પ્રત્યે લોકો જાગૃત થાય એ માટે રોમાનિયામાં ક્લુઝ-નાપોકા નામના એક શહેરમાં આ ઑફર શરૂ થયેલી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

શારીરિક કસરત કરવી બહુ જરૂરી છે, પરંતુ એ કરવાનું કોઈને બહુ ગમતું નથી. રોમાનિયામાં  લોકોની આ આળસ દૂર કરવા માટે એક અનોખી ઑફર બહાર પડી છે. અહીં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી પોસ્ટ અનુસાર કસરત કરનારાને બસની ટિકિટ ફ્રીમાં આપવાની જાહેરાત થઈ છે. ફિટનેસ પ્રત્યે લોકો જાગૃત થાય એ માટે રોમાનિયામાં ક્લુઝ-નાપોકા નામના એક શહેરમાં આ ઑફર શરૂ થયેલી. એમાં બસની ચોક્કસ જગ્યાઓની ટિકિટ લેવાનું ટાળવું હોય તો તમે ટિકિટ આપતા મશીન સામે ૨૦ દંડબેઠક કરી શકો છો. ટિકિટ આપતા વેન્ડિંગ મશીનમાં કૅમેરા હોય છે જે તમે કેટલા સમયમાં કેટલી સ્ક્વૉટ્સ કરી એની ગણતરી રાખે છે. તમે બે મિનિટમાં ૨૦ દંડબેઠક કરો તો શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એક સફર ફ્રીમાં કરવાની ટિકિટ તમને એ વેન્ડિંગ મશીનમાંથી મળી જાય. આ ઑફર લગભગ ૨૦૨૨ની સાલ સુધી ખૂબ ફેમસ હતી, પરંતુ એ પછી સરકારે હેલ્થ-ટિકિટ ૨.૦ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. એમાં નવી શરત મુકાઈ છે. હવે ફક્ત બસની ટિકિટ મેળવવા માટે નાગરિકોએ ૫૦૦ મીટરનું સાઇક્લિંગ કરવાનું છે. જોકે એ માટે પણ ટાઇમ-લિમિટ મૂકવામાં આવી છે.

લોકોને ફિટનેસ માટે જાગૃત કરવા આ નુસખો ખરેખર ફાયદાકારક તો છે જ. ભલે મફતના લાભ માટે થઈને પણ લોકો શરીર હલાવે, પણ એનાથી જે ફાયદો થાય છે એ તો થવાનો જ.

romania offbeat news international news world news