14 October, 2026 03:46 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
મોબાઇલ બ્લાસ્ટ
ઘણી વાર કેટલીક નાની સમસ્યાઓ આવતાં મોટી સમસ્યા ગાયબ થઈ જાય છે. રશિયામાં એક યુવાન સાથે આવું જ કંઈક થયું. રશિયાના અલ્તાઈ વિસ્તારમાં એક યુવક મધમાખીઓની પેટીઓની સંભાળ રાખવાનું કામ કરી રહ્યો હતો. એ જ વખતે ત્યાં અચાનક એક રીંછ આવી ચડ્યું. જંગલી રીંછથી બચવા માટે યુવાન ઝાડ પર ચડી ગયો. જોકે રીંછભાઈ ઝાડ પર પણ ચડી ગયા અને યુવાનને નીચે ખેંચ્યો. રીંછે યુવાનને પિછવાડાના ભાગે બચકું ભરીને નીચે ખેંચવાની કોશિશ કરી હતી. કદાચ રીંછની પકડને કારણે પૅન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલ પર દબાણ આવ્યું અને મોબાઇલની બૅટરી ફાટી. અચાનક થયેલા ધડાકાથી રીંછ ગભરાઈ ગયો અને ઊભી પૂંછડીએ નાઠો. અલબત્ત, મોબાઇલ-બ્લાસ્ટ અને ઝાડ પરથી પડવાને કારણે યુવાનને પણ માથા, ચહેરા, ગરદન અને છાતીના ભાગમાં ખાસ્સી ઈજા થઈ હતી. યુવાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને સર્જરી કરવાની જરૂર પડી હતી. જો મોબાઇલ ન ફાટ્યો હોત તો રીંછે આ યુવાનને ત્યાં જ પતાવી દીધો હોત. હાલમાં તેને સારીએવી ઈજા થઈ છે, પણ જીવ બચી ગયો એનાથી રૂડું બીજું શું?