21 August, 2026 11:26 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
આ રોબો તો ભારે વિવેકી વૃદ્ધ મહિલાને ઓવરટેક કરવાને બદલે પાછળ ધીમેથી ચાલતો રહ્યો
ટેક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં રશિયાથી એક ખૂબ જ મજેદાર અને દિલ જીતી લે એવો કિસ્સો સામે આવ્યો છે. રશિયાના એક રસ્તા પર ડિલિવરી રોબો પોતાની ધૂનમાં જઈ રહ્યો હતો ત્યારે એની આગળ એક વૃદ્ધ મહિલા વૉકરના સહારે ખૂબ ધીમે-ધીમે ચાલી રહ્યાં હતાં. રોબો ઇચ્છત તો બાજુમાં જગ્યા હોવાથી તેમને ઓવરટેક કરીને આગળ નીકળી શક્યો હોત, પરંતુ એણે આવી કોઈ ઉતાવળ ન બતાવી.
વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે આ વિવેકી અને સંસ્કારી રોબોએ વૃદ્ધાની પાછળ પોતાની ઝડપ સાવ ધીમી કરી દીધી અને તેમની જ ચાલવાની ઝડપ સાથે સરખામણી કરીને તેમની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.
સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થતાં લોકો મજાક કરી રહ્યા છે કે આજકાલના માણસોમાં ભલે વિવેક ઓછો થતો જાય, પણ રોબોમાં સંસ્કાર અને વડીલો પ્રત્યેનું માન ચોક્કસ વધી રહ્યું છે.