૧૦૧.૩૮ કિલોમીટર લાંબો રનઅપ લઈને બૉલ ફેંક્યો આ બોલરે

04 September, 2026 03:48 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના સૅમ બોડોઆનોએ એક બૉલ ફેંકવા માટે ૧૦૧.૩૮ કિલોમીટર દોડીને સૌથી લાંબા ક્રિકેટ બૉલિંગ રનઅપનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો અને કૅન્સર ચૅરિટી માટે ફંડ એકઠું કર્યું.

ઇંગ્લૅન્ડના ક્રિકેટર સૅમ બોડોઆનો

ક્રિકેટમાં તમે બોલરોને પંદરથી ૨૦ મીટરનો રનઅપ લઈને બોલિંગ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બોલરે એક જ બૉલ ફેંકવા માટે ૧૦૦+ કિલોમીટરની દોડ લગાવી હોય? ઇંગ્લૅન્ડના સૅમ બોડોઆનો નામના ક્રિકેટરે આ અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ કરીને વિશ્વવિક્રમ સર્જવાનો પ્રયાસ કર્યો છે.
સૅમે શનિવારે લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડથી ક્રિકેટનો સફેદ ડ્રેસ પહેરીને અને હાથમાં ક્રિકેટનો બૉલ પકડીને દોડવાનું શરૂ કર્યું હતું. સતત ૧૪ કલાકની ૧૦૧.૩૮ કિલોમીટરની દોડ પૂરી કરીને રવિવારે વૅલી એન્ડ ક્રિકેટ ક્લબ પહોંચીને તેણે મૅચનો પહેલો બૉલ ક્રિકેટનું બૅટ લઈને ઊભેલા પોતાના પિતાની સામે ફેંક્યો હતો. 
સૌથી લાંબો રનઅપ લઈને બોલિંગ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કરવા માટેનો આ સ્ટન્ટ હતો. આ પહેલાં આ રેકૉર્ડ ૨૪ કિલોમીટરના રનઅપનો હતો.
આ માત્ર રેકૉર્ડ માટે જ નહોતું, સૅમે આ ૧૦૦+ કિલોમીટરની દોડ દ્વારા કૅન્સર ચૅરિટી ધ રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશન માટે આશરે ૬૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા ૬.૫ લાખથી વધુનું ફંડ પણ એકઠું કર્યું છે. કાનૂની પુરાવાઓની ચકાસણી બાદ ટૂંક સમયમાં જ તેને સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળશે. 

england london world news international news offbeat news hatke news