૧૧૦ વર્ષની વયે લગ્ન કરનારા સાઉદી અરેબિયાના સૌથી વયસ્ક શેખ ૧૪૨ વર્ષની વયે ગુજરી ગયા

16 January, 2026 02:23 PM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

સાઉદી અરેબિયામાં સૌથી લાંબું જીવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે એવા શેખ નાસિર બિન રદ્દાલ અલ રાશિદ અલ વાદાઈનું તાજેતરમાં ૧૪૨ વર્ષની વયે નિધન થયું હતું

શેખ નાસિર બિન રદ્દાલ અલ રાશિદ અલ વાદાઈ

સાઉદી અરેબિયામાં સૌથી લાંબું જીવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે એવા શેખ નાસિર બિન રદ્દાલ અલ રાશિદ અલ વાદાઈનું તાજેતરમાં ૧૪૨ વર્ષની વયે નિધન થયું હતું. શેખ નાસિર સાઉદી સમાજમાં કેટલીયે પેઢીઓની વચ્ચે જોડતા એક સેતુ જેવા હતા. યુવાનો અને બુઝુર્ગો બન્ને માટે તેઓ જીવતીજાગતી ગાઇડ જેવા હતા. તેમની ઉંમરનું રાઝ સમજવા અનેક મેડિકલ પ્રોફેશનલ્સે શેખ નાસિરની હેલ્થ પર અભ્યાસો કર્યા હતા. શતાયુ થયા પછી પણ તેમની મેન્ટલ અલર્ટનેસ અને ડેઇલી રૂટીન જરાય બદલાયાં નહોતાં. એટલું જ નહીં, ૧૧૦ વર્ષની વયે તેમણે ફરી લગ્ન કર્યાં હતાં અને એ પછી તેઓ એક દીકરીના પિતા પણ બન્યા હતા. આ વાતથી દુનિયાભરના લોકો અચંબામાં મુકાયા હતા. શેખ નાસિરની જિંદગી સાઉદી અરેબિયાના પહેલા રાજા કિંગ અબ્દુલઅઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સઉદના જમાનાથી લઈને આજના રાજા કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદના રાજ સુધી ફેલાયેલી હતી. એક સદી કરતાંય વધુ સમયમાં તેમણે પોતાના દેશને એક મોટા રણવિસ્તારમાંથી મૉડર્ન બનતો જોયો હતો. શેખ નાસિરે તેમની જિંદગીમાં ૪૦ વાર હજયાત્રા કરી હતી. તેમના પરિવારજનોનું માનવું છે કે તેમની આધ્યાત્મિક લગને તેમની લાંબી ઉંમરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

offbeat news international news world news saudi arabia