હવે પ્રાણીઓ સાથે પણ કરજો વાતો : ૨૦૩૦ સુધીમાં AIની મદદથી સમજી શકાશે પ્રાણીઓની ભાષા

11 September, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AI અને મશીન લર્નિંગની મદદથી વૈજ્ઞાનિકો પ્રાણીઓ અને પક્ષીઓના અવાજનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંશોધનમાં કાગડાના એક ખાસ અવાજનો અર્થ ‘આવો, મારી મદદ કરો’ હોવાનું જાણવા મળ્યું છે.

AIથી સમજી શકાશે પ્રાણીઓની ભાષા

માણસ સદીઓથી પશુ-પંખીની ભાષા સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી. હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ ટેક્નૉલૉજીની મદદથી આ અશક્ય કામ શક્ય બનવાની અણી પર છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ૨૦૩૦ સુધીમાં AI પ્રાણીઓ અને પક્ષીઓની ભાષા ડીકોડ કરવામાં સફળ થઈ જશે. સંશોધકો પ્રાણીઓના અવાજોના રેકૉર્ડ કરેલા ડેટાને મશીન લર્નિંગ મૉડલ દ્વારા ઍનૅલાઇઝ કરી રહ્યા છે અને અવાજની પૅટર્ન સમજીને એનો અર્થ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીવ-વૈજ્ઞાનિક વિટોરિયો બેગ્લિયોને છેલ્લાં ઘણાં વર્ષોથી કાગડાના અવાજનો અભ્યાસ કરી રહ્યા છે. AIની મદદથી તેમના રિસર્ચમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેમને કાગડાના અવાજમાં એક ચોક્કસ પૅટર્ન મળી આવી છે જેનો ઉપયોગ કાગડાઓ અન્ય સાથીઓને મદદ માટે બોલાવવા કરે છે. એ અવાજનો અર્થ થાય છે, ‘આવો, મારી મદદ કરો.’
AI માત્ર અવાજ ઓળખવામાં જ નહીં, એની પાછળ રહેલા પ્રાણીઓના વર્તન અને ભાવનાઓને સમજવામાં પણ મદદ કરી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ ટેક્નૉલૉજીનો યોગ્ય ઉપયોગ થશે તો વન્યજીવ સંરક્ષણમાં ક્રાન્તિ આવશે. જોકે ખરો ખતરો એ વાતનો છે કે માણસ પોતાની સ્વાર્થવૃત્તિ માટે આ ભાષાનો ક્યાંક દુરુપયોગ ન કરવા લાગે.

ai artificial intelligence technology news world news offbeat news hatke news