01 July, 2026 04:12 PM IST | Scotland | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન સામે સતત બેસી રહેવાને કારણે આંખોમાં થાક લાગવો સામાન્ય બાબત બની ગઈ છે. જોકે આ થાકને દૂર કરવા માટે વિચાર્યા વગર કરવામાં આવેલા પ્રયોગો કેવી ગંભીર આફત નોતરી શકે છે એનો એક ચોંકાવનારો કિસ્સો સ્કૉટલૅન્ડમાં સામે આવ્યો છે. અહીં પચીસ વર્ષના એક યુવકે આંખોના થાકથી છુટકારો મેળવવા માટે એના પર વાઇબ્રેટિંગ મસાજ ગનનો ઉપયોગ કર્યો હતો. આ ગંભીર ભૂલને કારણે યુવકની બન્ને આંખોના અંદરના પડદા ફાટી ગયા હતા, જેને જોઈને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
સ્કૉટલૅન્ડની રાજધાની એડિનબર્ગમાં રહેતા એક યુવકને છેલ્લા કેટલાક સમયથી આંખોમાં ભારેપણું અને થાક વર્તાતાં હતાં. આ તકલીફ નિવારવા માટે તેણે સામાન્ય રીતે પીઠ કે ખભાના સ્નાયુઓનો દુખાવો દૂર કરવા માટે વપરાતી હાઈ-વાઇબ્રેશન મસાજ ગન લીધી અને એને પોતાની બંધ આંખોની આસપાસ તથા એના પર ચલાવવાનું શરૂ કર્યું. યુવકે રાહત મેળવવાની ઘેલછામાં સતત ૩ મહિના સુધી દર અઠવાડિયે આ પ્રક્રિયા ચાલુ રાખી હતી.
થોડા દિવસ પહેલાં યુવકની જમણી આંખ સામે અચાનક કાળાં ધાબાં દેખાવા લાગ્યાં અને તેજ લાઇટોના ઝબકારા થવા લાગ્યા ત્યારે ગભરાઈને તે આઇ-ટ્રીટમેન્ટ સેન્ટર પહોંચ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર યુવકની જમણી આંખનો પડદો અંદરથી સંપૂર્ણપણે ઊખડી ગયો હતો, જેને તબીબી ભાષામાં ‘રેટિનલ ડાયાલિસિસ’ કહેવામાં આવે છે. તેની ડાબી આંખમાં પણ લોહીના ગાંઠા જામી ગયા હતા અને એમાં ૬ અલગ-અલગ જગ્યાએ ઊંડા ઘા પડી ગયા હતા.
ડૉક્ટરોના મતે જ્યારે મસાજ ગન પૂરી તાકાતથી આંખની કીકી સાથે ટકરાતી હતી ત્યારે એના પ્રચંડ દબાણને કારણે આંખનો નાજુક પડદો ખેંચાઈને તૂટી ગયો હતો. સદનસીબે, સમયસર યોગ્ય સારવાર મળવાને કારણે ૬ મહિના પછી યુવકની સ્થિતિમાં સુધારો થયો છે અને તે સંપૂર્ણ અંધ થતાં બચી ગયો છે.