૧૨ વર્ષના કિશોરે ઘરમાં જ બનાવી દીધું પરમાણુ રીઍક્ટર

20 February, 2026 05:39 PM IST  |  Dallas | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ડૅલસ શહેરમાં રહેતા સાતમા ધોરણમાં ભણતા એડન મૅકમિલન નામના સ્ટુડન્ટે વિજ્ઞાનજગતમાં એક બહુ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એડને દાવો કર્યો છે તેણે ન્યુક્લિયર ફ્યુઝન રીઍક્ટર ઘરમાં જ તૈયાર કર્યું છે.

૧૨ વર્ષના કિશોરે ઘરમાં જ બનાવી દીધું પરમાણુ રીઍક્ટર

અમેરિકાના ડૅલસ શહેરમાં રહેતા સાતમા ધોરણમાં ભણતા એડન મૅકમિલન નામના સ્ટુડન્ટે વિજ્ઞાનજગતમાં એક બહુ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એડને દાવો કર્યો છે તેણે ન્યુક્લિયર ફ્યુઝન રીઍક્ટર ઘરમાં જ તૈયાર કર્યું છે. એડને આ પ્રોજેક્ટની શરૂઆત જસ્ટ ૮ વર્ષની ઉંમરે કરી દીધી હતી. ૪ વર્ષની મહેનત, અભ્યાસ અને સંશોધન પછી તેણે પોતાનું આગવું મશીન તૈયાર કર્યું છે જે સફળતાપૂર્વક ચાલી શકે એવું છે. ન્યુક્લિયર ફ્યુઝન એક એવી પ્રોસેસ છે જેમાં નાના પરમાણુ મળીને ખૂબ મોટા પ્રમાણમાં એનર્જી પેદા કરે છે. આ એક પ્રકારનો ક્લીન એનર્જીનો સૉર્સ પણ છે. એડને મશીન બનાવતાં પહેલાં બે વર્ષ સુધી ન્યુક્લિયર ફિઝિક્સનો અભ્યાસ કર્યો હતો. ફ્યુઝન કેવી રીતે થાય એની થિયરી શીખી અને એ પછી ઘરમાં જ ચીજોનો ઉપયોગ કરીને એક પ્રાઇમરી મૉડલ બનાવ્યું. આ પ્રોજેક્ટ માટે એડનને લૉન્ચપૅડ નામની એક સ્વૈચ્છિક સંસ્થાની મદદ પણ મળી હતી. આ આખો પ્રોજેક્ટ સાકાર કરતાં તેને ૪ વર્ષ લાગ્યાં હતાં. આ પ્રયોગ દરમ્યાન અનેક વાર તેનું મશીન નિષ્ફળ ગયું. જોકે એ પછી પણ તે નિરાશ ન થયો. તેણે પોતાની ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું ચાલુ રાખ્યું. એડનની મમ્મીને શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે દીકરાની ચિંતા થતી હતી. એમાં સંભવિત જોખમો સમજ્યા પછી તેણે દીકરાને બહુ નિયંત્રિત રીતે પ્રયોગો કરવાની તાકીદ કરી હતી. લાંબા પ્રયાસો પછી એડનના મશીને ન્યુટ્રૉન્સ પેદા કરવાનું શરૂ કર્યું છે જેણે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા થતી હોવાની પુષ્ટિ કરી હતી. 
હવે એડન મેકૅનિકલ ન્યુક્લિયર ફ્યુઝન મશીન બનાવનારા સૌથી નાની વયના વૈજ્ઞાનિક તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. 

offbeat news united states of america dallas international news world news