શાર્ક ડાઇવરને કોળિયો જ કરી જાત

26 January, 2022 09:02 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

શાર્કની એક ઝલક જોવા માટે મેક્સિકોના ગુઆડાલુપ ટાપુના શાર્ક ભરેલા પાણીમાં ઊતરેલા બે ડાઇવર્સનો અનુભવ એક વિડિયોમાં ઝડપાયો છે

શાર્ક

શાર્કની એક ઝલક જોવા માટે મેક્સિકોના ગુઆડાલુપ ટાપુના શાર્ક ભરેલા પાણીમાં ઊતરેલા બે ડાઇવર્સનો અનુભવ એક વિડિયોમાં ઝડપાયો છે, જે દિલધડક છે. 
ક્લિપમાં જોઈ શકાય છે કે બે ડાઇવર્સ એક મેટલના પાંજરામાં કેદ થઈને શાર્કથી ભરેલા પાણીમાં ઊતરી એનો વિડિયો ઉતારી રહ્યા હોય છે. અચાનક એક ૧૧ ફીટ લાંબી શાર્ક પાંજરાની નજીક આવીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. 
આ એકદમ નાટકીય જણાતા આ વિડિયોમાં જોઈ શકાય છે કે શાર્ક મેટલના સળિયાની અંદર પોતાનું માથું નાખીને એના તીક્ષ્ણ દાંત બતાવે છે, ત્યારે એક ડાઇવર ડરનો માર્યો પાંજરાની અંદર ખસી જાય છે, જ્યારે બીજા ડાઇવરના કૅમેરામાં એ શાર્કનો વિડિયો ઊતરી રહ્યો હોય છે. 
મેટલના પાંજરામાં બે સળિયા વચ્ચે માથું ફસાઈ ગયા બાદ શાર્ક એમાંથી બહાર નીકળવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસમાં ડાઇવર્સ ડરના માર્યા પાંજરામાં ખૂણો પકડીને બચવાની કોશિશ કરી રહ્યા છે. 
પાંજરામાંથી છૂટવાનો પ્રયાસ કરવામાં શાર્કને લગભગ ૨૫ મિનિટ લાગે છે અને તેમાં એ લોહીલુહાણ થઈ જાય છે. આ વિડિયો-ફુટેજ ઑક્ટોબર ૨૦૧૯નો છે, જેમાં પાંજરા વચ્ચે ફસાયેલી શાર્ક મુક્ત થવાનો પ્રયાસ કરી રહી છે, પણ આખરે એનું મોત થાય છે. 

offbeat news international news