04 October, 2026 03:05 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent
યે લિન
આજકાલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો વપરાશ એટલો વધ્યો છે કે લોકો એનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જોકે સિંગાપોરમાં યે લિન નામના ૩૦ વર્ષના યુવાનને AIની કમાલ કરીને મજાક કરવાનું ભારે પડ્યું હતું. આ ભાઈએ AIથી એક સ્થાનિક જળાશયમાં મગર આવ્યા હોય એવું દૃશ્ય ક્રીએટ કર્યું. એ જોઈને ભલભલા લોકોને લાગ્યું કે આવું સાચે જ બન્યું છે. જળાશયમાં મગર ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ શોધવા માટે સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ-નિષ્ણાતો કામે લાગી ગયા. એ જળાશયમાં થતી બીજી વૉટર-ઍક્ટિવિટી પણ બંધ કરાવી દીધી જેથી કોઈને નુકસાન ન થાય. જોકે જ્યારે મગર ન મળ્યો અને વાઇરલ તસવીરની સચ્ચાઈ તપાસવામાં આવી તો ખબર પડી કે આ AI દ્વારા બનાવેલી તસવીર છે. જળાશયની આસપાસ થતી ભાગદોડ જોઈને યુવાનને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે તરત જ પોતાના મોબાઇલમાંથી એ ફોટો અને AI ઍપ બન્ને ડિલીટ કરી દીધાં. એમ છતાં સિંગાપોરના સાઇબર વિભાગે યે લિનને શોધી કાઢ્યો. ભારતમાં આવું કંઈક બન્યું હોત તો કદાચ લોકો બે ઘડી હસીને ભૂલી જાત, પરંતુ સિંગાપોરમાં આ ઘટનાને બહુ ગંભીરતાથી લેવામાં આવી. AIનો ઉપયોગ કરીને ખોટો ભય ફેલાવવા તેમ જ સરકારી સંસાધનોને થયેલી ભાગદોડ બદલ તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. સિંગાપોરના કાયદા મુજબ તેને ખોટી માહિતી ફેલાવવા બદલ સાતથી ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે.