૬ વર્ષની બાળકીએ જ્યારે સિંગાપોરના વડા પ્રધાનને લખ્યો પત્ર : મને નાનો ભાઈ કે બહેન નથી જોઈતાં

04 September, 2026 03:56 PM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

સિંગાપોરની ૬ વર્ષની સારાએ વધુ બાળકો પેદા કરવાની અપીલથી ચિંતિત થઈ વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગને મોટી બહેન ન બનવાની વિનંતી કરતો માસૂમ પત્ર લખ્યો, જેનો PMએ પણ ક્યુટ જવાબ આપ્યો.

સિંગાપોરની વાયરલ વાર્તા

સિંગાપોરમાંથી એક અત્યંત રમૂજી અને ક્યુટ પત્રવ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગે દેશવાસીઓને વધુ બાળકો પેદા કરવા અને સરકારી પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આ જાણીને સારા નામની ૬ વર્ષની એક બાળકી ચિંતામાં પડી ગઈ હતી, કારણ કે તે પોતાના પરિવારમાં સૌથી નાની હતી અને તેને મોટી બહેન નહોતું બનવું. ગભરાયેલી સારાએ પોતાના હાથે સિંગાપોરના વડા પ્રધાનને એક અજબ પ્રકારનો માસૂમ પત્ર લખી નાખ્યો. એમાં તેણે વિનંતી કરી કે ‘તમે ગમે તેટલા પૈસા આપો, અમારે વધારે પૈસા નથી જોઈતા, મારે મોટી બહેન નથી બનવું.’ સારાના પત્રનો જવાબ આપતાં વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગે પણ તેને ઈ-મેઇલ કરીને લખ્યું કે તેને કહી દેજો કે પરિવારમાં સૌથી નાની રહેવા માટે તેને મારી પરમિશનની કોઈ જરૂર નથી. જ્યારે તેની મમ્મીએ વડા પ્રધાનનો જવાબ સારાને વાંચી સંભળાવ્યો અને પૂછ્યું કે હવે તને કેવું લાગે છે ત્યારે આ માસૂમ બાળકીએ સાવ નિરાંતે અને પરિપક્વતાથી માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો : ગુડ. વડા પ્રધાન સાથેનો આ માસૂમ પત્રવ્યવહાર સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે અને લોકો આ ટબૂકડીની ક્યુટનેસ પર આફરીન થઈ રહ્યા છે.

singapore viral videos social media social networking site world news offbeat news hatke news