02 April, 2026 03:41 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
એમાં બાથરૂમ પણ છે, કિચન પણ છે અને ડાઇનિંગ રૂમ પણ છે
દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુના ઓકાલામા નામના કસબામાં એક અજાયબી કહી શકાય એવું બિલ્ડિંગ ઊભું થયું છે. આ બિલ્ડિંગ જોઈને ભલભલાનું દિમાગ ચકરાવે ચડી જાય છે. આ ઘર એટલું પાળતું છે કે એમાં બે વ્યક્તિ એકસાથે ઊભી પણ રહી શકે એમ છે. એમાં બે દીવાલોની વચ્ચેનું અંતર માત્ર ૬૩ સેન્ટિમીટરનું છે. હા, લંબાઈ સારીએવી છે, પણ પહોળાઈ માત્ર ૬૩ સેન્ટિમીટરની છે. આટલી સાંકડી જગ્યામાં આપણે તિજોરી પણ ન રાખી શકીએ, પણ અહીં આખું ઘર વસાવવામાં આવ્યું છે. એમાં કિચન પણ બનાવ્યું છે અને બેડ પણ. આ ઘરમાં ઘૂસવા માટે તમારે જાતને થોડીક સંકોરવી પડે. ફાબિયો મેરેનો નામના ભાઈનું આ ઘર છે અને તેઓ પોતે જ એના ડિઝાઇનર પણ છે. બહારથી તો આ ઘર નહીં પાતળી પટ્ટી જ હોય એવું ભાસે છે, પરંતુ અંદર કદમ મૂકતાં જ તમે કોઈ માચીસની ડબ્બીમાં ઘૂસી ગયા હો એવી ફીલ આપે છે. એમાં બાથરૂમ પણ છે, કિચન પણ છે અને ડાઇનિંગ રૂમ પણ છે. અલબત્ત, એમાં બધા લાઇનસર બેસીને જમે છે. બે માળને જોડવા માટેના દાદરા પણ છે, પરંતુ એ બહુ સીધા અને અઘરા છે.
આ ઘરની મજા એ છે કે એમાં એક વ્યક્તિ જો ફરતી હોય તો બીજીએ બેસી જવું પડે. બે વ્યક્તિ આમનેસામને પણ આવી જાય તોય આસપાસના ફર્નિચરને કારણે તેઓ હરીફરી શકે એમ નથી. ફાબિયો મેરેનો ભાઈએ બનાવેલું આ ઘર હવે ટૂરિસ્ટ-સ્પૉટ બની ગયું છે. લોકો આ દીવાલ જેવા દેખાતા ઘરને અંદરથી જોવા ઉત્સુક હોય છે. ફાબિયોએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટે અરજી કરી છે. તેમને ભરોસો છે કે બહુ જલદીથી તેમનું ઘર દુનિયાના નકશામાં સૌથી સાંકડા ઘર તરીકે સ્થાન બનાવી લેશે.