18 April, 2025 07:13 AM IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
આપણે ટીવી પર લાઈવ રેસ જોઈ હશે. આ સાથે ક્રિકેટ, ફૂટબૉલ જેવી રમતની મૅચ જોવા માટે સ્ટેડિયમમાં પણ લોકો જાય છે. આ રેસ અને મૅચ જોવાની ખૂબ મજા પડે છે. જોકે હાલમાં એક નવા પ્રકારના સ્પોર્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ એક રેસ છે જે અમેરિકામાં યોજવાની છે. ઉલ્લેખનીય છે કે આ રેસ કોઈ પ્રાણી કે માણસોની નથી પણ સ્પર્મ એટલે કે માણસોના શુક્રાણુની છે. હાં, તમે સાચું વાંચ્યું કે હવે માણસોના સ્પર્મની પણ રેસ યોજાશે અને તેને જોવા માટે પણ હજારો લોકો ભેગા થવાના છે. આ વાત ભલે વિચિત્ર લાગશે, પરંતુ સ્પર્મ રેસ વાસ્તવિકતા યોજાવા જઈ રહી છે. અમેરિકામાં આ વિચિત્ર રેસનું આયોજન થઈ રહ્યું છે, જેમાં માણસો નહીં પણ તેમના શુક્રાણુઓ દોડશે.
ન્યૂ યૉર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એક સ્ટાર્ટઅપે આ ‘સ્પર્મ રેસ’નું આયોજન કર્યું છે જેમાં માણસોને બદલે શુક્રાણુ દોડશે. સ્પર્મ રેસિંગ નામના આ સ્ટાર્ટઅપે અમેરિકાના લૉસ ઍન્જલસમાં હૉલિવુડ પેલેડિયમની અંદર આ સૂક્ષ્મ રેસનું આયોજન કર્યું છે. આ રેસ 25 એપ્રિલના રોજ યોજાશે. આ રેસમાં, બે શુક્રાણુઓનો ઉપયોગ કરવામાં આવશે જે જુદા જુદા લોકોના હશે. આ રેસ 0.05 મિલીમીટર લાંબી હશે અને તેમને 20-સેન્ટિમીટર માઇક્રોસ્કોપિક રેસ ટ્રેકમાં દોડવાનું રહેશે જે સ્ત્રીના પ્રજનન તંત્રના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે.
શુક્રાણુઓ દોડશે
એડવાન્સ્ડ ઇમેજિંગથી ખબર પડશે કે કયા શુક્રાણુ પહેલા ફિનિશ લાઇન પર પહોંચે છે. આ રેસ જોવા માટે 1000 જેટલા દર્શકો આવશે. તેનું આયોજન એક મોટા રમતગમત કાર્યક્રમની જેમ કરવામાં આવી રહ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ થશે, લાઈવ કોમેન્ટ્રીનું આયોજન કરવામાં આવશે અને લોકોને સટ્ટો લગાવવાની તક પણ મળશે. કંપનીએ આ રેસ માટે અત્યાર સુધીમાં ૮ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. માનવ શુક્રાણુની ગતિ પ્રતિ મિનિટ લગભગ 5 મિલીમીટર છે, તેથી કોઈને ખબર નથી કે આ દોડ કેટલો સમય ચાલશે. આ થોડી મિનિટોથી કલાકો સુધી ચાલી શકે છે.
આ કારણે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે આવી દોડનું આયોજન કરવાનું કારણ શું છે. આ દોડ દ્વારા પુરુષોના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. લોકો પુરુષ પ્રજનન ક્ષમતા વિશે વાત નથી કરતા, પરંતુ આ રેસ દ્વારા એ કહેવામાં આવશે કે શુક્રાણુની ગતિ અને પુરુષોનું સ્વાસ્થ્ય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. આ વિચાર પાછળ 4 લોકો છે જેમના નામ એરિક ઝુ, નિક સ્મોલ, શેન ફેન અને ગેરેટ નિકોનિએન્કો છે. કંપનીનું કહેવું છે કે જો લોકો રમત માટે પોતાને તાલીમ આપી શકે છે તો તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે પોતાને તાલીમ કેમ ન આપી શકે!