આ માણસ જીવતો રહ્યો એ જ ચમત્કાર

26 January, 2022 09:06 AM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

એક વ્યક્તિ કાર્ગો પ્લેનના વ્હીલ-સેક્શનમાં ઘૂસી ગયો હતો

વ્યક્તિ

એક વ્યક્તિ કાર્ગો પ્લેનના વ્હીલ-સેક્શનમાં ઘૂસી ગયો હતો. વળી સાઉથ આફ્રિકાથી નેધરલૅન્ડ્સની ૧૧ કલાકની ફ્લાઇટની મુસાફરી દરમ્યાન તે જીવતો પણ રહ્યો હતો. રિપોર્ટ મુજબ પોતાના સમગ્ર પ્રવાસ દરમ્યાન આ વ્યક્તિ પ્લેનના નોસ વ્હીલ સેક્શનમાં છુપાઈ રહ્યો હતો. રવિવારે સવારે જ્યારે ઍમ્સ્ટરડૅમના ઍરપોર્ટ પર તે મળ્યો ત્યારે સંપૂર્ણપણે ભાનમાં હતો. ૩૫ વર્ષનો આ માણસ જોહનિસબર્ગથી જ છુપાઈ રહ્યો હતો. 
ડચ મિલિટરી પોલીસે જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં પણ તે સ્વસ્થ રહ્યો હતો. હૉસ્પિટલમાં લઈ જતાં પહેલાં તેના શરીરનું તાપમાન થોડું ઓછું હતું. ઍરપોર્ટ પર ઍમ્બ્યુલન્સ આવે એ પહેલાં તેણે અનેક સવાલના જવાબ આપ્યા હતા. પોલીસને નવાઈ એ વાતની લાગી છે કે ૧૦,૦૦૦ કિલોમીટરના પ્રવાસ દરમ્યાન ખૂબ જ ઠંડા તાપમાનમાં પણ તે જીવતો રહ્યો હતો.  આ વ્યક્તિને બાદમાં આશ્રય સેન્ટરમાં મોકલી આપવામાં આવશે, જ્યાં નિષ્ણાતો નક્કી કરશે કે તેને આશ્રય આપવો કે નહીં. ઊંચાઈ પર ઑક્સિજનનું સ્તર ઘણું ઓછું હોય છે છતાં તે જીવતો રહ્યો એનું પણ તમામ લોકોને આશ્ચર્ય થાય છે. સાઉથ આફ્રિકાથી ઊડેલી આ ફ્લાઇટ નૈરોબીમાં પણ રોકોઈ હતી. તે કઈ રીતે વ્હીલ-સેક્શનમાં ઘૂસ્યો હતો એ એક પ્રશ્નાર્થ છે. 

offbeat news international news amsterdam south africa