06 January, 2026 03:20 PM IST | Brasília | Gujarati Mid-day Correspondent
સ્ટ્રે ડૉગને પગમાં કૅન્સર હતું એટલે ચાલીને ક્લિનિકમાં સારવાર કરવા પહોંચ્યો
આ જનરેશનનાં બાળકો જ સ્માર્ટ છે એવું નથી. નવી જનરેશનના ડૉગી પણ સ્માર્ટ થઈ ગયા છે. પહેલાંના સમયમાં કૂતરાઓને શરીર પર ઘા થાય તો જાતે જ ચાટીને સાફ કરી દે. થોડા દિવસમાં ઘા આપમેળે રુઝાઈ જાય. જોકે હવેના ડૉગીઝ પણ ઘા માટે ડૉક્ટર પાસે જતા થઈ ગયા છે. બ્રાઝિલમાં પ્રાણીઓના એક ક્લિનિકમાં એક ડૉગી સામે ચાલીને પોતાને બતાવવા આવ્યો હતો. એના પંજામાં તકલીફ હતી એટલે એ થોડીક ખોડંગાયેલી ચાલે ચાલતો હતો. ડૉગીએ ક્લિનિકમાં આવીને ત્યાં રિસેપ્શનમાં બેઠેલા માણસને પોતાના પંજાનો ઘા ઊંચો કરી-કરીને બતાવ્યો હતો. જ્યારે સ્ટાફને એ સમજાયું એટલે તરત જ ડૉગીને ઉપાડી લીધો. ડૉક્ટરનું કહેવું છે કે ‘પહેલી નજરે સામાન્ય ઘા જેવું દેખાતું હતું એ કૅન્સરની ટ્યુમર હતી. એને કારણે આ ડૉગી ખૂબ પીડા અનુભવતો હોવો જોઈએ. ડૉગી કોઈની સાથે આવ્યો નહોતો. એમ છતાં અમે એને પહેલાં કીમોથેરપી આપીને ટ્યુમર ઓગાળવાની ટ્રીટમેન્ટ આપવાની શરૂ કરી હતી.’
રખડતા કૂતરાને ક્યારેય કૅન્સર જેવા રોગ માટે સારવાર મળતી નથી. જોકે આ ડૉગી પોતે જે રીતે સામે ચાલીને ક્લિનિકમાં આવ્યો અને એના ચહેરાની પીડા ભલભલાને પીગળાવી દે એવી હોવાથી એને સારવાર મળવાની શરૂ થઈ ગઈ.