10 August, 2024 02:18 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખર
વાયનાડની કુદરતી આફતમાં મદદ કરવા માટે ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરે ઑફર કરી છે. મંડોલી જેલમાં પુરાયેલા સુકેશે એ માટે મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયનને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી આપત્તિ રાહત ભંડોળમાં ૧૫ કરોડ રૂપિયાનું યોગદાન સ્વીકારવા વિનંતી કરી છે. કુદરતી આફતથી ‘અત્યંત દુખી’ થયેલા સુકેશે જરૂર ટાણે મદદ કરવાની ઇચ્છા દર્શાવી છે. તેના વકીલ અનંત મલિકાએ પત્રની વાતને સમર્થન આપ્યું છે. સુકેશે પત્રમાં લખ્યું છે કે ‘મારા ફાઉન્ડેશન વતીથી મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે ૧૫ કરોડ રૂપિયાનું યોગદાન આપવા વિનંતી કરું છું. એ ઉપરાંત અસરગ્રસ્તો માટે તાત્કાલિક ધોરણે ૩૦૦ મકાન બનાવવા માટે પણ યોગદાન આપવાનું વચન આપું છું.’ જોકે કેરલા સરકારે હજી સુધી પત્રનો પ્રત્યુત્તર આપ્યો નથી.