12 February, 2025 12:25 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
બારમા ધોરણની ફેરવેલ પાર્ટીને યાદગાર બનાવવા, એની રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર ધમાકો કરવા લક્ઝરી ગાડીઓની લાઇન લગાવી દીધી હતી
સુરતના જહાંગીરપુરાની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ બારમા ધોરણની ફેરવેલ પાર્ટીને યાદગાર બનાવવા, એની રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર ધમાકો કરવા લક્ઝરી ગાડીઓની લાઇન લગાવી દીધી હતી. આ લક્ઝરી ગાડીઓની રૅલીનો વિડિયો અપેક્ષા મુજબ વાઇરલ થઈ ગયો હતો. વિડિયોમાં સ્ટુડન્ટ્સ સૂટબૂટમાં અનેક હાઈ-એન્ડ લક્ઝરી કાર સાથે ફોટો પડાવતા, પોઝ આપતા અને પછી એમાં બેસીને લાંબી પરેડ કરતા જોવા મળે છે. ઉત્સાહી સ્ટુડન્ટ્સે કારમાં લાઉડ મ્યુઝિક વગાડીને, કારની સનરૂફમાંથી બહાર આવીને, બારીમાંથી હાથ બહાર કાઢીને કે ઓપન કારની સીટ પર ઊભા રહીને, હાથમાં ટૉય ગન કે મોબાઇલ કે હાથની બે આંગળીઓથી વી ફોર વિક્ટરીની સાઇન બતાવીને આ દિવસને સેલિબ્રેટ કર્યો હતો. વિડિયો શૂટ કરવા માટે ગ્રાઉન્ડ લેવલ કૅમેરાની સાથે-સાથે ડ્રોન દ્વારા આ કાર-પરેડના એરિયલ-શૉટ પણ લેવામાં આવ્યા હતા. લક્ઝરી કાર-પરેડના વાઇરલ વિડિયોએ ટ્રાફિક-પોલીસને દોડતી કરી દીધી હતી. ટીનેજરોએ ઉત્સાહ અને આનંદમાં ટ્રાફિકના ઘણા બધા રૂલ તોડી નાખ્યા હતા અને એટલા માટે જ આ રૅલી ચર્ચાનો અને એક ડિબેટનો વિષય બની ગઈ છે. સુરતનાં ડેપ્યુટી કમિશનર ઑફ ટ્રાફિક પોલીસ કહે છે, ‘આને માટે કડક પગલાં લેવામાં આવશે. શાળાની નજીક જ આ વિડિયો શૂટ કરવામાં આવ્યો છે. અમે કારના માલિકોને સમન્સ મોકલાવ્યા છે અને તેમને મળવા બોલાવી રહ્યા છીએ. સોશ્યલ મીડિયા પર લાઇક અને કમેન્ટ્સ મેળવવા માટે સ્ટુડન્ટ્સે આ રીતે કરેલી કાર-પરેડ તેમને માટે ખતરનાક છે અને રોડ-સેફટી માટે પણ બરાબર નથી એટલે તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.’
જોકે સ્કૂલ-મૅનેજમેન્ટે જણાવી દીધું છે કે આ રૅલી અમે ઑર્ગેનાઇઝ કરી નથી અને પેરન્ટ્સ તથા સ્ટુડન્ટ્સ કાર લઈને આવ્યા હોય તો અમે તેમને એ માટેની કોઈ પરમિશન આપી નથી, અમે કાર-પરેડની ગાડીઓને કૅમ્પસમાં પ્રવેશ પણ આપ્યો નથી.