30 August, 2026 12:08 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
એક જ મહિલાની કૂખે જન્મેલાં હોવા છતાં આ ટ્વિન્સ ભાઈ-બહેન નહીં કહેવાય
ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં એક સરોગેટ મધરે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે સરોગેટ મધરને પ્રેગ્નન્સી રહે એ માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) પ્રક્રિયા જ કરવામાં આવતી હોય. એમાં ટેસ્ટ-ટ્યુબમાં તૈયાર થયેલાં ભ્રૂણને સરોગેટ મધરના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવતા હોય છે. જોકે ડૉક્ટરોએ એક જ ભ્રૂણ મધરના ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કર્યો હોવા છતાં જ્યારે પ્રેગ્નન્સી રહી છે કે કેમ એની તપાસ કરવામાં આવી તો આંચકો ખાઈ જાય એવી હકીકત બહાર આવી. મહિલા પ્રેગ્નન્ટ તો હતી, પણ તેના ગર્ભમાં બે બાળકો ઊછરી રહ્યાં હતાં. આ સમયે ડૉક્ટરોને લાગ્યું કે નક્કી તેમનાથી કંઈક ભૂલ થઈ છે. કાં તો તેમણે ભૂલથી બે ભ્રૂણ ઇમ્પ્લાન્ટ કર્યાં હશે કાં પછી ગર્ભાશયમાં દાપ્ત થયા પછી ભ્રૂણના બે ભાગ થયા હશે. આ બન્ને સંભાવનાઓ લગભગ અશક્ય લાગતી હતી એમ છતાં સરોગસી આગળ વધારવામાં આવી. નવ મહિના બાદ બન્ને બાળકોનો જન્મ થયો એ પછી બન્ને બાળકોની જિનેટિક ટેસ્ટ કરાવી. એનાથી બાળકનાં જૈવિક માતા-પિતા કોણ છે એ નક્કી થઈ શકે. જિનેટિક ટેસ્ટ માટે બાળક અને માતાપિતાના મૂળભૂત કોષો તરીકે ઓળખાતી ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરવામાં આવી. પરિણામમાં ખબર પડી કે એક જ બાળક સરોગસી કરાવનાર દંપતીનું હતું. બીજું સંતાન ખુદ સરોગેટ મધરનું હતું. જ્યારે IVFની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ સરોગેટ મધરે બૉયફ્રેન્ડ સાથે સંબંધ રાખ્યા હતા એટલે બહારથી ભ્રૂણ દાખલ કરવામાં આવ્યું એ જ વખતે ઑલરેડી ગર્ભમાં તેનું ખુદનું બાળક પણ ફલિત થઈ ચૂક્યું હતું.