31 July, 2026 12:55 PM IST | Kabul | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનમાં સ્ત્રીઓ પર અનેક પાબંદીઓ ઑલરેડી છે. જોકે તાજેતરમાં તાલિબાને સગાઈ અને શાદીની રસમો માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ ફરમાન મુજબ સ્ત્રીઓ શાદીના સમારંભોમાં પણ સજીધજી નહીં શકે. ન મેકઅપ, ન મેંદી અને ન પર્ફ્યુમ. આ બધું શાદીમાં સામેલ થનારી મહિલાઓ તો ઠીક, દુલ્હન માટે પણ વર્જ્ય કરી દીધું છે. જીવનમાં બીજું કંઈ નહીં તો ઍટ લીસ્ટ પોતાની શાદીમાં સજીધજીને સૌથી સુંદર દેખાવાની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે આ સેટબૅક છે. પાબંદીની યાદી હજી લાંબી છે. જેમ કે લગ્નમાં સાદી હેરસ્ટાઇલ જ કરી શકાશે.
હેર-એક્સ્ટેન્શન કે સજાવટ માટેની ઍક્સેસરીઝ નહીં વાપરી શકાય. મુસ્લિમોમાં અત્તર તો બહુ જ વપરાય છે, પણ દુલ્હનો અત્તર પણ નહીં લગાવી શકે. સગાઈ દરમ્યાન અંગૂઠી-એક્સચેન્જની પ્રથા પણ બંધ કરી દેવામાં આવી છે. સગાઈ-શાદીમાં નાચ-ગાન અને સંગીત પર તો ઑલરેડી પ્રતિબંધ છે જ. અફઘાની મીડિયા રુખસાનાના રિપોર્ટ મુજબ સરકારનું કહેવું છે કે આ બધી પરંપરાઓ ઇસ્લામિક પરંપરાઓને અનુરૂપ નથી અને જે કોઈ રસમમાં પશ્ચિમી સંસ્કૃતિની છાંટ હોય એ ચલાવી નહીં લેવાય. એ જ કારણોસર મસ્જિદોના મૌલવીઓને આ નિયમોનું બરાબર પાલન થાય એ જોવાનું સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે.