28 November, 2025 12:41 PM IST | Texas | Gujarati Mid-day Correspondent
યુવતી અને પાળેલો ડૉગ
અમેરિકાના ટેક્સસમાં એક ઘરમાં પાળેલા ૩ પિટબુલ કૂતરાઓએ તેની જ માલિકણ અને તેની ખૂબ જ કાળજી કરતી યુવતીને ફાડી ખાધી હતી. યુવતીનું નામ મૅડિસન રિલે હલ છે. મૅડિસનની મમ્મી જેનિફરનું કહેવું હતું કે દીકરીને એના ડૉગ્સ ખૂબ વહાલા હતા અને તેમની ખૂબ જ કૅર કરતી હતી. ડૉગીઝ પણ તેને જોતાં જ વહાલ વરસાવવા લાગતા હતા. જોકે ૨૧ નવેમ્બરે સાંજે મૅડિસન તેના ઘરની પાછળના વરંડામાં મૃત અવસ્થામાં મળી આવી હતી. એ વરંડામાં પિટબુલ કૂતરાઓ પણ ઘૂમી રહ્યા હતા. પાડોશીઓએ આ ઘટના જોઈને પોલીસને ઇન્ફૉર્મ કરી તો થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. પોલીસ વરંડામાં ઘૂસી તો કૂતરાઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો. આખરે પોલીસે એક કૂતરાને ગોળી મારતાં એનું મૃત્યુ થયું હતું અને અન્ય બે કૂતરાઓને પકડી લીધા હતા. પાડોશીઓનું કહેવું હતું કે મૅડિસન આ કૂતરાઓને પોતાનાં સંતાનોની જેમ રાખતી હતી. સામાન્ય રીતે બપોર પછી તે કૂતરાઓને ઘરમાં લઈ લેતી હોય છે જેથી એમને ઠંડી ઓછી લાગે. જોકે એ જ વખતે કૂતરાઓએ તેની વાત નહીં માનીને તેના પર હુમલો કરી દીધો હોવો જોઈએ.