27 November, 2025 02:28 PM IST | Thailand | Gujarati Mid-day Correspondent
થાઇલૅન્ડમાં ૬૫ વર્ષનાં એક માજીને મૃત માનીને અંતિમ સંસ્કાર માટે કૉફિનમાં મૂકવામાં આવ્યાં
થાઇલૅન્ડમાં ૬૫ વર્ષનાં એક માજીને મૃત માનીને અંતિમ સંસ્કાર માટે કૉફિનમાં મૂકવામાં આવ્યાં. સ્થાનિક રસમ મુજબ પરિવારજનો તેમને કૉફિનમાં લઈને મંદિર પહોંચ્યા જેથી વિધિ થઈ શકે. આ બધામાં લગભગ ૪ કલાક વીતી ગયા. તમામ વિધિઓ પતાવીને દફનાવવાની તૈયારીઓ પૂરી થઈ અને કૉફિનને ક્રીમેશન ચેમ્બરમાં નાખવાની તૈયારી હતી ત્યાં સ્ટાફને અંદરથી ખૂબ ધીમો-ધીમો ખટખટ અવાજ સંભળાયો. સ્ટાફે ખોલીને જોયું તો માજી હલી રહ્યાં હતાં. ૬૫ વર્ષનાં આ માજી ૨૩ નવેમ્બરે મૃત્યુ પામ્યાં હતાં. તેમનો શ્વાસ બંધ થઈ ગયેલો જાણીને પરિવારે ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને આવતાં એક કલાક લાગ્યો અને તેમણે પણ માજીને મૃત ઘોષિત કર્યાં. પરિવાર ગરીબ હોવાથી તેમણે જ્યાં ફ્રીમાં વિધિ થઈ જાય એવા મંદિરે તેમના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. એ માટે પરિવારને કૉફિન સાથે ૪ કલાક જર્ની કરવી પડી. છેક છેલ્લી ઘડીએ જ્યારે અંદરથી હળવો અવાજ થતો સંભળાયો તો ક્રીમેટૉરિયમનો સ્ટાફ અને પરિવારજનો બન્ને અચંબામાં પડી ગયા હતા અને તરત જ ઍમ્બ્યુલન્સ બોલાવીને માજીને હૉસ્પિટલમાં પહોંચાડ્યાં હતાં. મંદિરના મૅનેજમેન્ટે આ પવિત્ર જીવનો પૂરો ખર્ચ ઉઠાવવાની ઘોષણા કરી હતી.