13 November, 2025 12:18 PM IST | Thailand | Gujarati Mid-day Correspondent
લેડીબૉય પ્રજાતિનો કરોળિયો
પ્રકૃતિમાં એટલાંબધાં રહસ્યો છુપાયેલાં છે જે માનવો માટે અચરજનો વિષય છે. અઢળક જૈવિક વૈવિધ્ય ધરાવતા થાઇલૅન્ડનાં ઘેરાં જંગલોમાં કીટકપ્રેમીઓ અને વૈજ્ઞાનિકોને મજા પડી જાય એવો દુર્લભ કરોળિયો જોવા મળ્યો છે. આ કરોળિયો રૅર અને દુર્લભ એટલા માટે છે કેમ કે એના શરીરનો એક હિસ્સો નરનો છે અને બીજો હિસ્સો માદાનો છે. એક જ કરોળિયાના ડાબા ભાગનાં અંગોમાં માદા જેવા અને જમણા ભાગમાં નર જેવા ગુણો દેખાયા છે. ડાબો ભાગ ઑરેન્જ રંગનો છે જે માદાનો ગુણ દર્શાવે છે અને જમણો ભાગ સફેદ રંગનો હોય છે જે નરના ગુણ દર્શાવે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ગાયનેન્ડ્રોમૉર્ફિઝમ નામની જૈવિક ઘટનાનું આ ઉદાહરણ છે. આ જૈવિક ઘટનામાં એક જ શરીરમાં નર-માદાના ગુણો મોજૂદ હોય છે જે આનુવંશિક ત્રુટિને કારણે પેદા થાય છે. સંશોધકોએ આ કરોળિયાની નવી પ્રજાતિનું નામ જૅપનીઝ કાર્ટૂનના એક પાત્ર પરથી ઇનાઝુમા રાખ્યું છે. આ પાત્ર રંગ બદલવા માટે જાણીતું હતું. જોકે પ્રાણીનિષ્ણાતો આ પ્રાણીને લાડમાં લેડીબૉય કહે છે, કેમ કે આ પ્રાણીમાં નર કરતાં માદાના ગુણો મૅચ્યોર જીવ જેવા હોય છે. વૈજ્ઞાનિકો હજી સ્પષ્ટ નથી કે લેડીબૉય પ્રજાતિના કરોળિયા પ્રજનન કરીને જીવ પેદા કરી શકતા હશે કે કેમ?