સપનામાં એલિયન આવ્યા અને તામિલનાડુના આ ભાઈએ એને દેવતા ગણીને મંદિર બનાવી દીધું

17 November, 2025 02:06 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના એક મંદિરમાં એલિયનની ભગવાન તરીકે પૂજા થાય છે.

પૂજારીનો દાવો છે કે આ એલિયન ભગવાન શિવ દ્વારા બનાવેલા પહેલા દેવતા છે જે દુનિયાને આફતોથી બચાવશે

તામિલનાડુના એક મંદિરમાં એલિયનની ભગવાન તરીકે પૂજા થાય છે. પૂજારીનો દાવો છે કે આ એલિયન ભગવાન શિવ દ્વારા બનાવેલા પહેલા દેવતા છે જે દુનિયાને આફતોથી બચાવશે. સેલમ જિલ્લામાં લોગનાથન નામના ભાઈએ આ મંદિર હજી ગયા વર્ષે જ બનાવ્યું છે. આ મંદિરનું નિર્માણ બે વર્ષ પહેલાં શરૂ કર્યું હતું અને હજી એનું સુશોભનનું કામ ચાલી રહ્યું છે. એલિયન દેવતાનું મંદિર જમીનથી ૧૧ ફુટ ઊંચે ભોંયરામાં છે અને એમાં કાળા રંગની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ એલિયનની લોગનાથન રોજ પૂજા કરે છે. લોગનાથનનું કહેવું છે કે તેને સપનામાં વારંવાર એલિયન દેવતા દેખાતા હતા એટલે જ તેણે પોતાના સપનામાં દેખાયેલા સ્વરૂપની એલિયનની મૂર્તિ બનાવડાવી છે. આ દેવતા પૃથ્વીને કુદરતી આપદાઓથી બચાવશે એવો દાવો તેઓ કરે છે. એલિયન દેવતા પાસે ખૂબ શક્તિઓ છે. લોગનાથનનું કહેવું છે કેટલાક લોકો મને પાગલ માને છે, પરંતુ થોડા જ સમયમાં લોકોને મારા પર ભરોસો બેસી જશે કે હું સાચું કહું છું. એલિયનની મૂર્તિ ઉપરાંત તેમના મંદિરમાં વિષ્ણુના વરાહ અવતાર અને શિવલિંગ પણ છે.

offbeat news tamil nadu culture news india