12 January, 2026 11:06 AM IST | South Korea | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયા એવો દેશ છે જ્યાં માથે વાળ ન હોવા એ મોટું કલંક મનાય છે. ભરાવદાર વાળ સાથે સુંદર દેખાવ કોઈ લક્ઝરી નહીં પણ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. આ નાનકડા દેશના લોકોના માથે મસ્તમજાના વાળની ઘેલછા અને ટાલ પડવાનો ડર એ હદે પ્રભાવશાળી છે કે સરકારે પોતે એમાં હસ્તક્ષેપ કરીને નીતિઓ ઘડવી પડે છે. એટલું જ નહીં, યુવાનોમાં વધી રહેલી ટાલની સમસ્યા અને ખરતા વાળના ખતરાની ચિંતા સરકારને પણ સતાવી રહી છે. આ બધાં કારણોને લીધે સાઉથ કોરિયાનું હેર-લૉસ ટ્રીટમેન્ટ માર્કેટ વિશ્વનાં સૌથી મોટાં માર્કેટોમાંનું એક છે. તાજેતરમાં તો પ્રેસિડન્ટ લી જે-મ્યૉન્ગે ટીવી પર લાઇવ દેખાડવામાં આવેલી હાઈ લેવલની મીટિંગમાં પણ યુવાનોના ખરતા વાળના મુદ્દે નવો પ્રસ્તાવ મૂકીને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
સાઉથ કોરિયાના પ્રેસિડન્ટે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ‘વાળ ખરવાની તકલીફ માત્ર કૉસ્મેટિક તકલીફ નથી પણ સર્વાઇવલ માટે જરૂરી બની ગઈ છે. આપણા યુવાનો નાની ઉંમરે વાળ ગુમાવી રહ્યા છે એટલે નૅશનલ હેલ્થ ઇન્શ્યૉરન્સમાં આપવામાં આવતી સારવારોમાં તમામ પ્રકારની હેર-લૉસ ટ્રીટમેન્ટ પણ સમાવી લેવી જોઈએ. આપણા દરેક યુવાનને સરકારી ખર્ચે હેર-લૉસ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.’
અત્યારે પણ સાઉથ કોરિયામાં સ્પેશ્યલ મેડિકલ કન્ડિશનને કારણે હેર-લૉસ ટ્રીટમેન્ટ માટે નૅશનલ હેલ્થ સ્કીમનો લાભ મળે છે, પણ આનુવંશિક કારણને લીધે વાળ ખરતા હોય એવા લોકોને આ લાભ નથી મળતો.
ગયા વર્ષના આંકડા પ્રમાણે સાઉથ કોરિયામાં હેર-લૉસ ટ્રીટમેન્ટ લેનારા અઢી લાખ લોકોમાંથી ૪૦ ટકા યુવાનો હતા. ત્યાં અત્યારે ૨૦થી ૩૦ વર્ષની ઉંમરના યુવાનોમાં બાલ્ડનેસને નૅશનલ પ્રૉબ્લેમ ગણાવવામાં આવી રહી છે.