ચિપ્સના પૅકેટમાંથી આખો બટાટો નીકળ્યો

20 October, 2021 02:21 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

ડેવિડે તો ત્યાં સુધી વાત કરી છે કે હું આ બટાટાની થ્રી-ડી પ્રિન્ટ કઢાવીને એ નમૂનાને સ્મારકમૂર્તિ તરીકે સાચવી રાખવાનું વિચારી રહ્યો છું.

ચિપ્સના પૅકેટમાંથી આખો બટાટો નીકળ્યો

ઇંગ્લૅન્ડના ડૉ. ડેવિડ બૉય્સ ફિઝિક્સના શિક્ષક છે. તાજેતરમાં તેમણે એક ચિપ્સનું પૅકેટ લીધું અને ખાવાની તૈયારીમાં જ હતા ત્યાં આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ચિપ્સનું પૅકેટ ખોલતાં જ અંદરથી ચિપ્સ તો ન નીકળી, પણ એક આખેઆખો બટાટો નીકળ્યો.
ડેવિડે પછી તો ટ્વિટર પર આ સંદર્ભે કમેન્ટ લખીને ચિપ્સ-કંપનીને જાણ પણ કરી. તેમણે કમેન્ટમાં લખ્યું, ‘આજે મને આ ચિપ્સના પૅકેટમાંથી એકેય ચિપ્સ તો ન મળી, પણ એક એકલવાયો બટાટો મળ્યો ખરો. મને એ જ નથી સમજાતું કે આ બાપડો બટાટો પૅકેટની અંદર પેઠો કઈ રીતે? જોકે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ વાત પ્રસર્યા પછી તેમણે ઘણી રમૂજ પણ કરી. તેમણે કહ્યું કે આ બટાટાને જોઈને મને ખરેખર આશ્ચર્ય થયું. કેવો મહાપરાક્રમી કહેવાય આ બટાટો, તેણે ચિપ્સ બનવાની ના પાડી દીધી અને બધું જીરવીને પણ જીવી ગયો. આ તો સર્વાઇવર (બચી જનાર) છે.
ડેવિડે તો ત્યાં સુધી વાત કરી છે કે હું આ બટાટાની થ્રી-ડી પ્રિન્ટ કઢાવીને એ નમૂનાને સ્મારકમૂર્તિ તરીકે સાચવી રાખવાનું વિચારી રહ્યો છું.

offbeat news england