✕

ઇંગ્લૅન્ડમાં ૫૦૦૦ દુર્લભ કીડીઓનો આખેઆખો રાફડો ચોરી ગયા ચોર

04 November, 2026 10:51 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

આ અનોખી ચોરી ડેવોનના ચડલી નાઇટન હીથ નેચર રિઝર્વમાં બની છે. સમગ્ર ઇંગ્લૅન્ડમાં આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વિશ્વની સૌથી દુર્લભ કીડીઓમાં સ્થાન ધરાવતી ‘નૅરો-હેડેડ ઍન્ટ’ જોવા મળે છે. વિજ્ઞાનની ભાષામાં એને ‘ફૉર્મિકા એક્સેક્ટા’ કહેવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

સોના-ચાંદી કે રોકડ રકમની ચોરી વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ ઇંગ્લૅન્ડમાં ચોરોએ એક એવો ચોંકાવનારો હાથ માર્યો છે જેને જાણીને સૌ કોઈ દંગ રહી જાય. અહીંના એક સીક્રેટ નેચર રિઝર્વમાંથી તસ્કરો ૫૦૦૦ દુર્લભ કીડીઓનો રાફડો જ ઉખેડીને ચોરી ગયા છે. આ અજીબોગરીબ ચોરીને કારણે પર્યાવરણવિદોમાં ભારે હોબાળો મચી ગયો છે.

આ અનોખી ચોરી ડેવોનના ચડલી નાઇટન હીથ નેચર રિઝર્વમાં બની છે. સમગ્ર ઇંગ્લૅન્ડમાં આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વિશ્વની સૌથી દુર્લભ કીડીઓમાં સ્થાન ધરાવતી ‘નૅરો-હેડેડ ઍન્ટ’ 
જોવા મળે છે. વિજ્ઞાનની ભાષામાં એને ‘ફૉર્મિકા એક્સેક્ટા’ કહેવામાં આવે છે.

આ અજીબ ચોરીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સંશોધકોની ટીમ ઑક્ટોબર મહિનામાં રૂટીન ચેકઅપ માટે પહોંચી હતી. ત્યાં જઈને જોયું તો જે જગ્યાએ કીડીઓનો મોટો રાફડો હતો ત્યાં માત્ર ખાડો દેખાતો હતો. આસપાસ પાવડા વડે ખોદકામ કર્યાનાં સ્પષ્ટ નિશાન હતાં અને ચોરોએ એ ખાડાને ઘાસથી ઢાંકીને પુરાવો છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ડેવોન વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે આપેલી માહિતી મુજબ, આવા એક રાફડામાં ૧૦૦૦થી ૫૦૦૦ કીડીઓ રહેતી હોય છે. એમાં એક કે એથી વધુ રાણી કીડીઓ હોય છે, જેનું આયુષ્ય ૨૫ વર્ષ સુધીનું હોઈ શકે છે. આ ચોરી બાદ સમગ્ર રિઝર્વ વિસ્તારમાં હવે માત્ર ૧૪૨ રાફડા જ બચ્યા છે.

england wildlife environment international news world news offbeat news