આ ચિમ્પાન્ઝી દિવસની ૪૦ સિગારેટ પીતો હતો

20 January, 2022 08:18 AM IST  |  Pyongyang | Gujarati Mid-day Correspondent

નૉર્થ કોરિયાના પ્યોંગયાંગ પ્રાણીસંગ્રહાલયના મુલાકાતીઓનું મનોરંજન કરવા માટે ચેઇન-સ્મોકિંગ ચિમ્પ અઝાલિયાને દરરોજ ૪૦ સિગારેટ પ્રગટાવવા અને પફ કરવાની તાલીમ આપવામાં આવી હતી

ચિમ્પ અઝાલિયા

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માત્ર માનવીઓ માટે જ નહીં, પ્રાણીઓ માટે પણ. જોકે નૉર્થ કોરિયાના પ્યોંગયાંગ પ્રાણીસંગ્રહાલયના મુલાકાતીઓનું મનોરંજન કરવા માટે ચેઇન-સ્મોકિંગ ચિમ્પ અઝાલિયાને દરરોજ ૪૦ સિગારેટ પ્રગટાવવા અને પફ કરવાની તાલીમ આપવામાં આવી હતી. ચિમ્પ અઝાલિયા હવે ૨૫ વર્ષની છે.
પ્રાણીઓના હક માટે લડતા ઍક્ટિવિસ્ટોને આઘાતજનક લાગેલી બાબત એ હતી કે ડોલાનું કોરિયન નામ ધરાવતી અઝાલિયાને ટ્રેઇનર દ્વારા આપવામાં આવતી સિગારેટને એ લાઇટરથી અથવા તો એની પાસેની સળગી રહેલી સિગારેટથી સળગાવતી હતી. ત્યાર બાદ મુલાકાતીઓને આકર્ષિત કરવા એને નાકને અડવા, અદબથી ઝૂકીને થૅન્ક યુ કહેવા તેમ જ ડાન્સ કરવા પણ શીખવવામાં આવ્યું હતું. 
નૉર્થ કોરિયાના નેતા કિમ જોંગ-ઉનના ઝૂને આધુનિક બનાવવાના આદેશને પગલે પાર્કનું નવીનીકરણ કરવામાં આવ્યું ત્યાર બાદ ૨૦૧૬માં અઝાલિયા પ્રાણી સંગ્રહાલયનું સ્ટાર આકર્ષણ બન્યું.
ઝૂમાં કથિત રીતે બાસ્કેટબૉલ રમતા વાંદરાઓ, પોપટ તથા અબેકસનો ઉપયોગ કરીને ગણતરી કરતો શ્વાન જોઈ શકાય છે. અઝાલિયાની અદાથી સિગારેટ પીવાને કારણે ઝૂમાં પ્રવાસીઓ આકર્ષિત તો થાય જ છે સાથે-સાથે ઍક્ટિવિસ્ટો પણ આ ઘટનાને ક્રૂર ગણાવી એનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે માણસોના એટલે કે પ્રવાસીઓના મનોરંજન માટે ચિમ્પાન્ઝીને સિગારેટની આદત પાડવી એ ખરેખર ખૂબ જ ક્રૂરતા કહેવાય. ઍક્ટિવિસ્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતાં ઝૂના અધિકારીઓએ જણાવ્યું હતું કે એ સિગારેટના વધુ કશ લેતી નથી. જોકે હવે એણે પોતાની આ ૪૦ દિવસ જૂની ધૂમ્રપાનની આદત છોડી દીધી છે. 

offbeat news international news