૧૪,૦૦૦ ચાંદીના સિક્કા પીગળાવીને બનાવવામાં આવેલા ‘ગંગાજલી કલશ’ના નામે છે વર્લ્ડ રેકૉર્ડ

17 April, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ગંગાજલી કલશ જયપુરમાં મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય મ્યુઝિયમ, સિટી પૅલેસ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે.

ગંગાજલી કલશ

ભારતીય સંસ્કૃતિમાં ગંગાજળનું ખૂબ મહત્ત્વ છે. જયપુરના ભૂતપૂર્વ રાજા મહારાજા સવાઈ માધોસિંહ દ્વિતીયની ઓળખ એક સંનિષ્ઠ હિન્દુ તરીકેની છે. તેઓ ગંગાજળ વિના ક્યાંય પણ જવાનું ટાળતા અને ગંગાજળ સાથેના લગાવને કારણે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. ૧૮૬૨માં જન્મેલા સવાઈ માધોસિંહ દ્વિતીયને કિંગ એડવર્ડ સાતમાના રાજ્યાભિષેક માટે યુનાઇટેડ કિંગડમ જવાનું આમંત્રણ મળ્યું હતું. ત્રણ મહિનાની મુસાફરીને ધ્યાનમાં રાખીને જયપુરના રાજાએ સાથે ગંગાજળ લઈ જવાનું નક્કી કર્યું અને એ માટે વિશાળ ચાંદીનાં વાસણ તૈયાર કરાવડાવ્યાં હતાં. ગંગાજલી કલશ કહેવાતી જાર ૧૪,૦૦૦ ચાંદીના સિક્કા પીગળાવીને બનાવવામાં આવી હતી જેમાં ૪૦૦૦ લીટરથી વધુ પાણીની ક્ષમતા હતી. રાજા ચાંદીના આવા બે કળશ લઈને ઇંગ્લૅન્ડ પહોંચ્યા હતા. દરેક ગંગાજલી કલશનું વજન ૨૪૨.૭ કિલો હતું અને ૧૯૦૨માં એની નોંધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે લીધી હતી. હાલમાં ગંગાજલી કલશ જયપુરમાં મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય મ્યુઝિયમ, સિટી પૅલેસ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે.

offbeat videos offbeat news jaipur guinness book of world records