27 March, 2026 11:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
જ્વેલ શૂપિંગ
બાળપણમાં કોઈને પૂછો કે મોટા થઈને શું બનશો? તો જમાના પ્રમાણે જવાબ મળે. કોઈ ડૉક્ટર, એન્જિનિયર, પાઇલટ જેવા જવાબો આપે; પણ અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતી જ્વેલ શૂપિંગ નામની છોકરીને ૩ વર્ષની વયથી આંધળા બનવાની ચાહત હતી. તેને આ દુનિયા જોવા ન મળે એવી ઇચ્છા હતી. તે આંખો બંધ કરીને અથવા તો બ્લાઇન્ડ લોકોની જેમ કાળાં ચશ્માં પહેરીને ફરતી અને હાથમાં સફેદ લાકડી દ્વારા રસ્તા પર ચાલતી. તેને કોઈકે કહેલું કે સૂરજનાં કિરણો આંખ પર પડે તો દૃષ્ટિ જતી રહે. એટલે તે કલાકો સુધી ભરબપોરે સૂરજની સામે એકીટશે જોતી રહેતી. તેણે છતી આંખે બ્રેઇલ લિપિ શીખવાનું પણ શરૂ કરી દીધું હતું. જ્વેલ બાળપણમાં બ્લાઇન્ડ હોવાના આવા અખતરા કરતી રહેતી, પરંતુ તે ૨૧ વર્ષની થઈ એ વખતે તો તેણે ખરેખર દૃષ્ટિ જતી રહે એ માટે આંખમાં કપડાં સાફ કરવાનું બ્લીચ નાખી દીધું. એને કારણે તેની દૃષ્ટિ ઘણી નબળી પડી ગઈ. હકીકતમાં જ્વેલબહેનને બૉડી ઇન્ટિગ્રિટી આઇડેન્ટિટી ડિસઑર્ડરની તકલીફ છે. આ સમસ્યામાં માણસને પોતાના શરીરનાં નૉર્મલ અંગો પોતાનાં નથી લાગતાં અને તે આ અંગોથી છુટકારો મેળવવા માટે કોઈ પણ હદે જાય છે. હજીયે બહેન બ્લાઇન્ડની જેમ જ રહે છે.