11 February, 2025 09:46 PM IST | Kuala Lumpur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મોટાભાગના લોકો કામ પર જવા માટે ટ્રેન, કાર, મેટ્રો અથવા બસનો ઉપયોગ કરે છે. આ બધુ તો સામાન્ય છે જોકે હાલમાં બે બાળકોની માતા રેચલ કૌર જૉબ પર જવા માટે રોજે ઉડાન ભરે છે. અઠવાડિયામાં પાંચ દિવસ, તે ફ્લાઇટમાં પ્રવાસ કરે છે, પણ બિઝનેસ ટ્રીપ માટે નહીં, પણ તેની ઑફિસ પહોંચવા માટે. આ મહિલા રોજે લગભગ લગભગ 700 કિમીનો પ્રવાસ કરે છે.
કૌરે તેની ઑફિસ નજીક મલેશિયાના કુઆલાલંપુરમાં એક ઘર ભાડે રાખ્યું હતું, અને અઠવાડિયામાં ફક્ત એક જ વાર તે પેનાંગ પરત ફરતી હતી. જોકે, તેના બાળકોથી લાંબા સમય સુધી અલગ રહેવાને કારણે કામ અને પારિવારિક જીવન વચ્ચે બેલેન્સ જાળવવું મુશ્કેલ બન્યું હતું. જેથી તેણે 2024 ની શરૂઆતમાં તેના પરિવારથી દૂર રહેવાને બદલે રોજે ફ્લાઇટની મુસાફરી કરવાનું નક્કી કર્યું. કૌરની દિનચર્યા ખૂબ જ મુશ્કેલ છે. તે સવારે 4 વાગ્યે ઉઠે છે, તૈયાર થાય છે અને સવારે 5 વાગ્યે ઘરેથી નીકળી જાય છે. ત્યારબાદ પેનાંગ ઍરપોર્ટ સુધી ડ્રાઇવ કરે છે, જ્યાં તે સવારે 6:30 વાગ્યે કુઆલાલંપુરની ફ્લાઇટમાં બેસે છે. સવારે 7:45 વાગ્યા સુધી તે કામે પહોંચી જાય છે. ઑફિસનો સમય પૂર્ણ કર્યા પછી, તે રાત્રે 8 વાગ્યે ઘરે પાછી ફરે છે.
અઠવાડિયામાં પાંચ દિવસ પ્લેનમાં મુસાફરી કર્યા છતાં, તે દાવો કરે છે કે તેના ખર્ચમાં ઘટાડો થયો છે. પહેલાં, તેણી ભાડા અને અન્ય ખર્ચાઓ પાછળ દર મહિને 474 ડૉલર (અંદાજે રૂ. 41,000) ખર્ચ કરતી હતી. હવે, તેણીનો માસિક મુસાફરી ખર્ચ 316 ડૉલર (આશરે રૂ. 27,000) થાય છે. ઍરએશિયામાં ફાઇનાન્સ ઓપરેશન્સમાં આસિસ્ટન્ટ મેનેજર પણ કૌરના ઑફિસ આવીને કામ કરવાની પ્રશંસા કરે છે, તેમને લાગે છે કે સામ-સામે વાતચીત કાર્યોને સરળ બનાવે છે. કૌર પણ માને છે કે "લોકોથી ઘેરાયેલા રહેવાથી કામ પૂર્ણ કરવાનું સરળ બને છે." કામ અને પરિવાર વચ્ચે તે જે સંતુલન જાળવી રાખવા માટે તેના એમ્પ્લોયર પણ કૌરની મદદ કરી રહ્યા છે.
ફ્લાઇટ દરમિયાન, કૌર મ્યુઝિક સાંભળતી અને પ્રકૃતિની પ્રશંસા કરતી વખતે ખૂબ જ જરૂરી "પર્સનલ ટાઈમ" એન્જોય કરે છે. ફ્લાઇટ લૅન્ડ થાય પછી, તે ઍરપોર્ટથી ઑફિસ સુધી 5-10 મિનિટ ચાલીને જાય છે, જેનાથી હવાઈ મુસાફરી બાદ કામ પર જવાનું સહેલું બને છે. એકદમ મુશ્કેલ મુસાફરીની પસંદગીએ રેચલ કૌરને તેની કારકિર્દી અને અંગત જીવન વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવવામાં મદદ કરી છે. તેણીની અસામાન્ય મુસાફરી માત્ર વ્યવહારુ જ નથી પણ તેની દિનચર્યા સમર્પણ અને નિશ્ચયની પ્રેરણાદાયી વાર્તા છે.