18 September, 2025 01:11 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
લાસ વેગસનું ઘર
અમેરિકાના લાસ વેગસમાં ન્યુક્લિયર બૉમ્બની અસરથી બચાવે એવું એક આલીશાન ઘર બનાવવામાં આવ્યું હતું. કોલ્ડ વૉરના ડરને કારણે એ વખતે આ ઘરને એવી રીતે સજાવવામાં આવ્યું હતું જાણે અહીં મહિનાઓ સુધી રહેવાનું હોય તોય વાંધો ન આવે. આ ઘરમાં પાંચ બેડરૂમ, છ બાથરૂમ, પૂલ, ડાન્સ-ફ્લોર અને મસ્ત કૅફે-એરિયા છે. આસપાસમાં નકલી પહાડોનું રળિયામણું દૃશ્ય છે અને માથે વાદળાં સહિત આકાશનો અહેસાસ કરાવે એવી છત છે. આ બંકર બે માળના એક ઘરની ૩૦ ફુટ નીચે બનાવવામાં આવ્યું છે. કોલ્ડ વૉરના ગાળામાં અમેરિકા અને સોવિયટ સંઘ વચ્ચેનો તનાવ ચરમસીમા પર હતો એ વખતે અમેરિકાના અનેક પરિવારો ન્યુક્લિયર હુમલાથી બચવા માટે ઘરોમાં બંકર બનાવતા હતા. એ જ વખતે આ અનોખું ઘર બન્યું હતું જેમાં રિયલ ઘર કરતાં બંકર વધુ લક્ઝુરિયસ છે. જે સ્વેજ નામના આર્કિટેક્ટે આ ઘર બનાવેલું જે કોઈ પણ પ્રકારના પ્રલયનો સામનો કરી શકે એવું છે. સમયાંતરે આ ઘરની અંદરનું ઇન્ટીરિયર થોડુંક બદલવામાં આવેલું. બાકી રચના એવી ને એવી જ છે. એક એકર જમીનની નીચે ફેલાયેલા આ ઘરમાં ૧૬,૯૩૬ સ્ક્વેર ફુટની લિવિંગ-સ્પેસ છે. જનરેટર, ૧૦૦૦ ગૅલનની વૉટર-ટૅન્ક અને ઇલેક્ટ્રિસિટી સાથે એ સુસજ્જ છે.
વચ્ચે થોડાંક વર્ષો આ ઘરને મ્યુઝિયમમાં તબદિલ કરી દેવામાં આવેલું. અહીં ફિલ્મનું શૂટિંગ, ઇવેન્ટ્સ અને પ્રાઇવેટ પાર્ટીઓ થઈ શકે છે. ૨૦૧૪માં આ ઘર ફ્રૅન્કી લુઇ નામના માણસે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદેલું. હવે આ ઘર ફરીથી વેચાવા નીકળ્યું છે જેની કિંમત અંદાજે ૭૫ કરોડ રૂપિયાની અંકાઈ રહી છે.