આ ભાઈના મોંમાં બત્રીસી નહીં, બેતાલીસી છે

08 March, 2026 01:52 PM IST  |  Malaysia | Gujarati Mid-day Correspondent

આ અનોખી કુદરતી દેણ માટે થોડા સમય પહેલાં જ પ્રથાબનું નામ સૌથી વધુ દાંત ધરાવતી વ્યક્તિ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે. 

પ્રથાબનું નામ સૌથી વધુ દાંત ધરાવતી વ્યક્તિ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે.

માણસના મોંમાં સામાન્ય રીતે ૩૨ દાંત હોય છે. જ્યારથી આપણે રાંધેલું ખાતા થઈ ગયા એ પછી ઉત્ક્રાન્તિને કારણે એ દાંતોમાં ઘટાડો થઈ રહ્યો છે અને પૂરેપૂરા ૩૨ સ્વસ્થ દાંત હોય એવા માણસો મળવાનું પણ હવે ઘટી ગયું છે ત્યારે મલેશિયાના પ્રથાબ મુનિયાંડી નામના ભાઈના મોંમાં બત્રીસી કરતાંય વધુ દાંત છે. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયર તરીકે કામ કરતા ૩૩ વર્ષના પ્રથાબને હજી છેક ૨૦૨૧માં જ ખબર પડી હતી કે તેના મોંમાં સામાન્ય કરતાં વધુ દાંત છે. તેણે પોતાના મોંમાં દાંત ગણ્યા તો એ ૩૮ હતા. સ્વાભાવિક છે આટલાબધા દાંત જોઈને તેને નવાઈ લાગી. જોકે એમાં વળી તેને પેઢાંમાં દુખાવો થવાનું શરૂ થયું. પ્રથાબભાઈને થયું કે એક વાર બેસિક ચેકઅપ કરાવી લેવું સારું. તો ડેન્ટિસ્ટે જે કહ્યું એ વધુ અચંબિત કરનારું હતું. ડેન્ટિસ્ટે એક્સરે કરીને કહ્યું કે તેમને જે દુખાવો થઈ રહ્યો છે એ ચાર નવા દાંત ઊગી રહ્યા છે એને કારણે છે. નવાઈની વાત એ છે કે થોડા સમયમાં એ દાંત પણ ઊગી નીકળ્યા અને હવે તેમના મોંમાં દાંતોની સંખ્યા કુલ ૪૨ થઈ ગઈ છે. પ્રથાબનું કહેવું છે કે કોઈને એમ જ નથી ખબર પડતી કે તેના મોંમાં ૪૨ દાંત છે, કેમ કે બહારથી દેખાતા દાંતની ગોઠવણી ગીચ હોવા છતાં સુરેખ છે. આ અનોખી કુદરતી દેણ માટે થોડા સમય પહેલાં જ પ્રથાબનું નામ સૌથી વધુ દાંત ધરાવતી વ્યક્તિ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે. 

offbeat news guinness book of world records international news world news malaysia