11 March, 2026 11:26 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
થાઇલૅન્ડમાં રહેતા લુન્ગ ડમ નામના ભાઈ પાસે રહેવા માટે ઘર નથી કે પોતાની જાતને સ્વચ્છ રાખી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. તે પોતાનું પેટ તો ક્યાંકથી માગી-કરીને પૂરું કરી લેતો હતો, પરંતુ માણસ તરીકેની એક સંવેદનશીલતાએ તેને કામ કરતો કરી દીધો. પોતાની જેમ રસ્તા પર રખડતા બિલાડા અને કૂતરાને ભૂખે ટળવળતા જોઈને બેઘર ભાઈએ એમના માટે કંઈક કમાણી કરવાનું વિચાર્યું. તેણે મોટા માર્કેટમાંથી લીંબુ લાવીને એને છૂટક વેચવાનું શરૂ કર્યું. આખો દિવસ એ વેચ્યા પછી જે પૈસા મળે એમાંથી તે રખડુ બિલાડીઓ માટે ખાવાનું ખરીદે છે. ઘણી વાર તેની પાસે પોતાનું ખાવાનું ખરીદવાના પૈસા પણ બચતા નથી. એમ છતાં તે રોડ પર રખડતી બિલાડીઓને પોતાનો પરિવાર માનીને એમનું પહેલાં પેટ ભરે છે. દિવસે તે લીંબુ વેચે છે અને રાતે બિલાડીઓને ખવડાવે છે. હવે તેણે લીંબુ વેચતી વખતે પણ એ ખાસ નોંધ લખી રાખી છે કે આમાંથી મળેલા નફાનો ઉપયોગ શહેરની રખડુ બિલાડીઓને ખવડાવવામાં ઉપયોગ થાય છે. આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકો તેને લીંબુ લાવી આપવામાં તેમ જ બિલાડીઓનું ભોજન લાવી આપવા માટે આગળ આવ્યા છે. કેટલાક લોકોએ તો તેને નવાં કપડાં આપીને અને વાળ કપાવીને સ્વચ્છ થવામાં પણ મદદ કરી હતી.