05 April, 2025 06:53 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બ્રિટની બાલિન્સ્કી
કોઈ ડ્રેસ એક વાર પહેર્યા પછી ધોયા વિના બીજી વાર પહેરવાનું હોય તો કેટલું ડિસકમ્ફર્ટ લાગે? એમાંય જો ત્રણથી ચાર વાર પહેરવાનો હોય તો પોતાના જ પરસેવાની ગંધથી માથું ફાટી જાય. જોકે બ્રિટની બાલિન્સ્કી નામનાં બહેને એકનો એક ડ્રેસ ૧૦૦ દિવસ સુધી પહેરવાનો પ્રયોગ કર્યો છે. હા, ૧૦૦ દિવસ સુધી રોજેરોજ. તેનું માનવું છે કે દરેક ફૅબ્રિકને ધોવાની ફ્રીક્વન્સી જુદી-જુદી હોય છે. ઊનના ડ્રેસને રોજ ધોવાની જરૂર નથી. રાધર, ઊનનાં કપડાંને તો જેટલું ઓછું ધુઓ એટલું સારું. આ વાતને સાબિત કરવા માટે ચાર બાળકોની મમ્મી બ્રિટનીએ પોતાની જાતે જ પ્રયોગ કરી બતાવ્યો. તેણે ૨૦૨૪ની ૧૭ ડિસેમ્બરે ૧૦૦ દિવસ માટે એક જ ડ્રેસ રોજ પહેરવાની ચૅલેન્જ શરૂ કરેલી. આ ચૅલેન્જ ૨૦૨૫ની ૨૬ માર્ચે પૂરી થઈ. એ માટે તેણે બેંગની રંગનો ઊની ડ્રેસ પંસદ કર્યો હતો. ઊન એવું ફૅબ્રિક છે જેને રોજ અને વારંવાર ધોવાની જરૂર નથી હોતી. બ્રિટનીબહેનનું કહેવું છે કે ઊન કુદરતી રીતે જ વૉટર-રેઝિસ્ટન્ટ અને જાતે જ સાફ થઈ જતું ફૅબ્રિક છે. ઊન પર પાણી રેડો તો એના પરથી પાણી સરી પડે છે. જો ઊનના ડ્રેસને ભીનો કરો તો પણ બહુ જલદીથી સુકાઈ જાય છે અને એમાંથી વાસ પણ નથી આવતી.
૧૦૦ દિવસ એટલે કે લગભગ સવાત્રણ મહિનાના ગાળા દરમ્યાન બ્રિટનીએ તેનો બેંગની રંગનો આ ડ્રેસ માત્ર ચાર વાર ધોયો હતો. એ પણ માત્ર પાણીથી. પાણીમાં ધોઈને એને હવામાં ટાંગી દેતાં એ ફરીથી સાફ થઈ ગયો હતો. બ્રિટનીનું કહેવું છે કે એ પછી પણ ડ્રેસમાંથી કોઈ વાસ કે ડાઘ-ધબ્બા નહોતા રહ્યા. આ બહેનના પ્રયોગને કેટલાકે વખાણ્યો અને કહ્યું કે આ તો સસ્ટેનેબલ ફૅશનનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે આ વાત પસંદ ન કરનારા એક યુઝરે લખ્યું હતું, ‘૧૦૦ દિવસ ધોયા વિના? આ તો ગંદકીને બઢાવો આપવો કહેવાય.’