થાઇલૅન્ડના આ શહેરમાં ખરેખર છે વાનર-રાજ

16 January, 2022 08:42 AM IST  |  Lopburi | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકની ઉત્તરે ૯૦ માઇલના અંતરે લોપબુરી નામના શહેરમાં વાંદરાઓની વસ્તી ઘણી વધુ હોવાથી અહીં પ્રવાસીઓની ભરમાર છે

વાનર-રાજ

કેળાં ખાવાની સાથે મીઠાં પીણાંના આદિ થઈ ગયેલા વાંદરાઓએ થાઇલૅન્ડના શહેરમાં આતંક મચાવ્યો છે. થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકની ઉત્તરે ૯૦ માઇલના અંતરે લોપબુરી નામના શહેરમાં વાંદરાઓની વસ્તી ઘણી વધુ હોવાથી અહીં પ્રવાસીઓની ભરમાર છે. સ્થાનિક લોકો પણ આ વાનરો માટે વાર્ષિકોત્સવ યોજે છે. 
નવેમ્બરમાં લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં થયા બાદ ટૂરિસ્ટો પાછા ફર્યા અને તેમની સાથે જ મીઠા નાસ્તા અને ઠંડાં પીણાંની જ્યાફત પણ આ વાંદરાઓ માટે શરૂ થઈ ગઈ હતી. મહામારીને કારણે વાંદરાઓની વસ્તી પણ અમર્યાદ પ્રમાણમાં વધી ગઈ હતી. લૉકડાઉનને કારણે ટૂરિસ્ટો ન હોવાથી ખોરાકની શોધમાં વાંદરાઓએ શહેર પર કબજો જમાવવાની શરૂઆત કરી હતી. આ ઘટનાના વિડિયોમાં વાંદરાઓ શેરીઓમાં ફરતા હતા અને માણસોના ખભા પર ચડીને તેમની પાસેની ચીજો છીનવીને ભાગી જતા હતા. માણસોથી જરાય ગભરાયા વિના આ વાંદરાઓ જે રીતે તેમની પાસેથી ચીજો છીનવી લે છે, કારના વિન્ડશીલ્ડ પર ચડી જાય છે એ એક રીતે પ્રતિસ્પર્ધી જૂથ પર પોતાની સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ લાગી રહ્યો છે. જ્યારે આ વાંદરાઓ સામસામે આવી જાય છે ત્યારે તેઓ પોતાનો પ્રદેશ માર્ક કરવા આતંક મચાવે છે, જે સ્થાનિક લોકોના ભયનું કારણ બન્યું છે.

offbeat news international news