દીકરો કે દીકરી એની ઘોષણા કરવા દુબઈમાં કરાયો વાઘનો ઉપયોગ

12 October, 2021 12:07 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈમાં તાજેતરમાં નવજાત બાળકનું લિંગ જાહેર કરવા માટે વાઘનો ઉપયોગ કરાયાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે

વાઘ

પ્રાણીઓ પાળેલાં હોય કે વન્ય, પણ માનવોએ એનો પોતાના આનંદ માટે ઉપયોગ કરવાનું ક્યારેય છોડ્યું નથી અને દુબઈનો વિડિયો જોયા બાદ તો ક્યારેય છોડી શકશે પણ નહીં એમ લાગી રહ્યું છે.

પ્રાણીઓ સાથેના વ્યવહાર વિશે શૈક્ષણિક અભિયાન ચલાવવા કે સુરક્ષા માટેની સલાહ આપવા છતાં હજી એવા ઘણા લોકો છે જેઓ નિજાનંદ અને સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરતાં અચકાતા નથી.

દુબઈમાં તાજેતરમાં નવજાત બાળકનું લિંગ જાહેર કરવા માટે વાઘનો ઉપયોગ કરાયાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેને કારણે નેટિઝન્સમાં રોષ વ્યાપી ગયો છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયોમાં દુબઈના પ્રસિદ્ધ બુર્જ અલ અરબ હોટેલની નજીક આવેલા બીચ પર એક વાઘ દેખાય છે. વાઘની સામે કેટલાક ફુગ્ગા લાવવામાં આવ્યા, જેમાં ચોક્કસ રંગના પાઉડર અને પેપર ક્રિસ્ટલ ભરેલાં હતાં. વાઘ આગળ આવીને તેના પંજાની મદદથી એક બલૂન ફોડે છે, જેમાંથી ગુલાબી રંગ અને એ જ રંગનાં પેપર ક્રિસ્ટલ હવામાં ઊડે છે. આ બધી કવાયત નવજાત બાળકનું લિંગ જાહેર કરવા માટે હતી.

વિડિયો-ક્લિપ સાથે કૅપ્શનમાં લખાયેલું હતું, ‘નવજાત બાળકનું લિંગ જાહેર કરાયું છે. માતાને અભિનંદન. વાઘને કોઈ ઈજા પહોંચી નથી તેમ જ પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવ્યો છે.’

અત્યાર સુધી આ વિડિયોને ત્રણ લાખ વ્યુઝ મળ્યા છે.

offbeat news international news dubai