આઇસક્રીમ લેવાની લાયમાં શૉર્ટકટ પડ્યો ભારે: પહેલા માળેથી સીધો જમીન પર પટકાયો

28 June, 2026 02:44 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત માણસને તાબડતોબ નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી એક એવો ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સોશ્યલ મીડિયા પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આઇસક્રીમ ખાવાની ઉતાવળમાં એક માણસે એવું જોખમ ઉઠાવ્યું કે તે પહેલા માળની બાલ્કનીમાંથી સીધો નીચે જમીન પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે જે હવે ઇન્ટરનેટ પર જોરદાર વાઇરલ થઈ રહી છે.

આ માણસ પોતાના ઘરના પહેલા માળની ગૅલરીમાં ઊભો હતો. બરાબર એ જ સમયે શેરીમાંથી એક આઇસક્રીમવાળો પસાર થઈ રહ્યો હતો. માણસને આઇસક્રીમ ખાવાની ઇચ્છા થતાં તેણે બૂમ પાડીને આઇસક્રીમવાળાને ઊભો રાખ્યો, પરંતુ નીચે ઊતરીને આઇસક્રીમ લેવાને બદલે તેણે આઇસક્રીમ ઉપર જ લંબાવવા માટે કહ્યું હતું.

આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક યુઝર દ્વારા શૅર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઇસક્રીમવાળો નીચેથી હાથ ઉપર કરીને આઇસક્રીમ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જ્યારે ઉપર ઊભેલો માણસ એને પકડવા માટે ગૅલરીની રેલિંગથી ઘણો આગળ નમી જાય છે. આ લાયમાં અચાનક તેનું શારીરિક સંતુલન બગડે છે અને તે સીધો હવામાંથી નીચે જમીન પર ખાબકે છે. આ અકસ્માત એટલો ઝડપી અને અણધાર્યો હતો કે આસપાસ ઊભેલા લોકો પણ સ્તબ્ધ અને ભયભીત થઈ ગયા હતા.

માણસ નીચે પડતાં જ જોરદાર અવાજ થયો હતો, જેને સાંભળીને પરિવારના સભ્યો અને આસપાસના પાડોશીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત માણસને તાબડતોબ નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તબીબોની દેખરેખ હેઠળ અત્યારે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

offbeat news uttar pradesh india viral videos social media