17 April, 2025 01:05 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
સાઉથ ઇન્ડિયન પરંપરાઓમાં અનેક મંદિરો અને તહેવારો દરમ્યાન પ્રભુને રીઝવવા માટે શરીરને કષ્ટ પડે એવી માનતાઓ લેવામાં આવે છે અને જે-તે કામ પૂરું થાય એટલે એ માનતા પૂરી કરવામાં આવે છે. અનેક લોકો સળગતા કોલસા પર ચાલવાની માનતા લેતા હોય છે. તાજેતરમાં તામિલનાડુના રામનાથપુરમમાં સુબૈયા મંદિરમાં તિમિથી તિરુવિઝા નામના ઉત્સવ દરમ્યાન કોલસા પર ચાલવાની પરંપરા દરમ્યાન રૂંવાડાં ખડાં થઈ જાય એવો અકસ્માત થઈ ગયો. મંદિરની બહાર સળગતા કોલસાનો બેડ તૈયાર કરવામાં આવ્યો હતો અને એની ઉપરથી પુરુષો વારાફરતી દોડી જતા હતા. જોકે એક વ્યક્તિ સળગતા કોલસા પર દોડતાં-દોડતાં પડી ગઈ. કોલસામાં અધવચ્ચે પડી જતાં તેના માટે ઊઠવાનું અઘરું થઈ ગયું. અલબત્ત, તરત જ રેસ્ક્યુ ટીમે તેને બહાર કાઢી ત્યાં સુધીમાં તે વ્યક્તિ ખૂબ દાઝી ગઈ હતી. હૉસ્પિટલમાં ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.