અમેરિકામાં હવે બાળક સંભાળવા નોકરી છોડનારને વળતર મળશે

14 September, 2026 10:43 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પ સરકાર પરણેલા દંપતીમાંથી એક વાલી નોકરી છોડીને ઘરે રહી બાળકની સંભાળ રાખે તો આર્થિક મદદ આપવાની યોજના બનાવી રહી છે. પ્રસ્તાવ સામે સિંગલ મધર્સ અને ગરીબ પરિવારોને નુકસાન થવાની આશંકા વચ્ચે વિવાદ ઊભો થયો છે.

ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સના ડ્રાફ્ટ-પ્રસ્તાવ હેઠળ ટ્રમ્પ સરકાર ચાઇલ્ડકૅર પૉલિસીમાં એક મોટો બદલાવ લાવવાની તૈયારી કરી રહી છે. જો આ પ્રસ્તાવ પાસ થઈ જશે તો અમેરિકામાં ગૃહસ્થ પરિવારોમાં જો મમ્મી કે પપ્પામાંથી કોઈ એક વ્યક્તિ નોકરી છોડીને ઘરે રહીને બાળકનો ઉછેર કરશે તો સરકાર તેમને આર્થિક સબસિડી આપશે. અમેરિકાના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બનશે કે સરકાર પોતાના બાળકને ઘરે સાચવવા બદલ મમ્મી-પપ્પાને સીધા પૈસા ચૂકવશે. 
હાલમાં અમેરિકા પાસે ૧૨ અબજ ડૉલર એટલે કે અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું ચાઇલ્ડ કૅર ઍન્ડ ડેવલપમેન્ટ ફન્ડ છે. આ ફન્ડમાંથી પ્રતિ બાળક વાર્ષિક અંદાજે ૯૦૦૦ ડૉલર એટલે કે આશરે ૭.૮ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. 
આ સ્કીમનો લાભ લેવા માટે પતિ-પત્ની પરણેલાં હોવાં જરૂરી છે. એક પાર્ટનરે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩૫ કલાક નોકરી કરવી પડશે અને બીજા પાર્ટનરે ઘરે રહીને બાળકની સંભાળ રાખવી પડશે. ઉપરાંત પરિવારની આવક-મર્યાદા નક્કી કરાયેલા ક્રાઇટેરિયામાં આવતી હોવી જરૂરી છે. 
આ પ્રસ્તાવ સામે અમેરિકામાં મોટો વિવાદ પણ શરૂ થયો છે. હાલમાં આ ૧૨ અબજ ડૉલરના ફન્ડમાંથી ૮૦ ટકા મદદ સિંગલ વર્કિંગ મધર્સને ડે-કૅર સેન્ટરનો ખર્ચ ઉપાડવા માટે મળે છે. 
વિવેચકોનું માનવું છે કે જો ટ્રમ્પ સરકાર નવું બજેટ ફાળવ્યા વગર આ જૂના ફન્ડમાંથી જ પરણેલા સ્ટે-ઍટ-હોમ પેરન્ટ્સને પૈસા આપવાનું શરૂ કરશે તો સિંગલ મધર્સ અને ગરીબ વર્કિંગ ફૅમિલીના પેટ પર લાત વાગશે. વધુમાં અપરિણીત કપલ્સ અથવા સિંગલ પેરન્ટ્સને આમાંથી બાકાત રાખવા સામે પણ કાનૂની સવાલો ઊભા થઈ રહ્યા છે. 
જો વાઇટ હાઉસ આ નિયમને આખરી મંજૂરી આપી દેશે તો આવતા વર્ષથી અમેરિકામાં આ નવો નિયમ લાગુ થઈ શકે છે.

donald trump united states of america world news international news offbeat news hatke news