સેલ્ફ-ડ્રાઇવિંગ કારે દારૂ પીને ધમાલ મચાવતા ટીનેજર્સને પોલીસના હવાલે કર્યા

12 July, 2026 11:00 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

કારની સૂચના મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બન્ને ટીનેજર્સને કસ્ટડીમાં લઈ લીધા હતા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. એક સેલ્ફ-ડ્રાઇવિંગ કારમાં બેસીને દારૂ પીને ધમાલ મચાવી રહેલા બે ટીનેજરો વિશે એ કારે જ પોલીસને જાણ કરી દીધી હતી. કારની સૂચના મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બન્ને ટીનેજર્સને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ બન્ને છોકરાઓ ગાડીની અંદર રમકડાની બંદૂકથી હવામાં ફાયરિંગ કરવાનો ડોળ કરીને ધમાલ મચાવી રહ્યા હતા. કૅલિફૉર્નિયામાં ‘વેઇમો’ કંપનીની રોબોટૅક્સી ખૂબ જ સામાન્ય છે. બે ટીનેજરોએ આ કાર બુક કરી હતી અને પાછળની સીટ પર બેસીને દારૂ પીવા લાગ્યા હતા. તેમની પાસે રમકડાની બંદૂકો પણ હતી, જેનાથી તેઓ કારમાંથી બહાર ગોળીબાર કરવાની ઍક્ટિંગ કરીને આખા શહેરમાં ઉત્પાત મચાવી રહ્યા હતા. કારની ઇન્ટેલિજન્ટ સિસ્ટમે આ પ્રવૃત્તિ પારખી લીધી અને ગાડીને સીધી એક શૉપિંગ સેન્ટરના પાર્કિંગમાં જઈને ઊભી રાખી દીધી અને પોલીસને કૉલ લગાવી દીધો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટે આ ઘટનાનો વિડિયો જાહેર કર્યો છે, જેમાં અનેક પોલીસકર્મીઓ કારને ઘેરીને બન્નેને કસ્ટડીમાં લેતા દેખાય છે. વેઇમો કંપનીની કારની અંદર સુરક્ષાના હેતુથી કૅમેરા અને માઇક્રોફોન લગાવેલાં હોય છે. જોકે એમાં કોઈ ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમ નથી હોતી. 

offbeat news international news world news california united states of america Crime News