27 February, 2026 12:56 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
એક મૃત વ્યક્તિના શરીરમાંથી કાઢેલું ગર્ભાશય જેને જન્મથી જ ગર્ભાશય નહોતું તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું
બ્રિટનમાં મેડિકલ સાયન્સે અવયવ ટ્રાન્સપ્લાન્ટના કેસમાં બહુ મોટી સફળતા મેળવી છે. એક મૃત વ્યક્તિના શરીરમાંથી કાઢેલું ગર્ભાશય જેને જન્મથી જ ગર્ભાશય નહોતું તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને આ ઉછીના ગર્ભાશય દ્વારા મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો હતો. વાત એમ છે કે ગ્રેસ નામની એક યુવતીને જન્મથી જ ગર્ભાશય નહોતું. તેને જન્મજાત સમસ્યાને કારણે ગર્ભાશય હતું જ નહીં. તે ૧૬ વર્ષની થઈ ત્યારે આ રોગનું નિદાન થયું હતું અને ડૉક્ટરોએ કહી દીધું હતું કે ગર્ભાશયની ગેરહાજરીને કારણે ગ્રેસ કદી મા નહીં બની શકે. જીવનનાં ઘણાં વર્ષો નિરાશામાં વિતાવ્યા પછી તે એક મેડિકલ એક્સપરિમેન્ટ માટે તૈયાર થઈ. ૨૦૨૪માં ઑક્સફર્ડની ચર્ચિલ હૉસ્પિટલમાં તેના શરીરમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ૧૦ કલાકની જટિલ સર્જરી પછી તેના શરીરમાં એક મૃત મહિલાનું ગર્ભાશય પ્રત્યારોપિત કરવામાં આવ્યું. એક વાર ગર્ભાશયને શરીરે સ્વીકારી લીધું એટલે લંડનના લિસ્ટર ફર્ટિલિટી ક્લિનિકમાં ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટ્રીટમેન્ટ કરાવીને કૃત્રિમ ગર્ભધારણ કરાવ્યો. પૂરા ૯ મહિના ડૉક્ટરોની નિગરાનીમાં ગર્ભાવસ્થા સુરક્ષિત રીતે આગળ વધી અને નવમા મહિના પછી તેણે એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો. આ સમગ્ર પ્રોસેસ પ્રોફેસર રિચર્ડ સ્મિથના નેતૃત્વમાં પાર પડી હોવાથી ગ્રેસ અને તેના પતિએ દીકરાનું નામ રાખ્યું રિચર્ડ. આજે રિચર્ડ ૧૦ મહિનાનો થઈ ગયો છે.